Last Updated on by Sampurna Samachar
કંપનીએ ૨૦૦૨માં બેન્ક પાસેથી લોન લીધી હતી
રૂ. ૧૨૧.૬ કરોડના બેન્ક કૌભાંડ બદલ ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અનિલ ગ્રૂપની વિવિધ કંપનીઓના કૌભાંડ અટકવાનું નામ લઈ રહ્યા નથી. હાલમાં જ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ અમદાવાદ સ્થિત અનિલ બાયોપ્લસ લિ. અને તેના ડિરેક્ટર્સ ઉપરાંત અજાણ્યા સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ રૂ. ૧૨૧.૬ કરોડના બેન્ક કૌભાંડની ફરિયાદ નોંધી છે.

સીબીઆઈએ તેમની વિરૂદ્ધ ગુનાહિત કાવતરૂં, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ ફરિયાદ ૧૯ જુન, ૨૦૨૫ના રોજ અગાઉ નોંધાયેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. જેમાં અમદાવાદની બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ઝોનલ મેનેજર મહેશ જગદીશલાલ બત્રાએ કંપની અને તેના ડિરેક્ટર અમોલ શ્રીપાલ શેઠ, દર્શન મહેતા અને નલીનકુમાર ઠાકુરે અન્ય અજાણ્યા સરકારી કર્મચારીઓ સાથે મળી બેન્ક પાસેથી લોન લઈ ફંડને આયોજિત ગુનાહિત કાર્યવાહીમાં ડાયવર્ટ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે.
ડિફોલ્ટની પ્રક્રિયા બાદ હાથ ધરાયેલા ફોરેન્સિક ઓડિટમાં અનેક ખુલાસા
અનિલ ગ્રૂપની પડતી ૨૦૧૩-૧૫ના સમયગાળામાં શરૂ થઈ હતી. તેના એક-પછી એક કૌભાંડ બહાર આવ્યા હતા. જેમાં તેણે બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૧૨૧.૬૦ કરોડનું ફ્રોડ કર્યું હોવાનો આરોપ મૂકાયો હતો. કંપનીએ ૨૦૦૨માં બેન્ક પાસેથી લોન લીધી હતી. નવેમ્બર, ૨૦૧૫ સુધી કુલ ૧૪૨.૭૩ કરોડની કુલ લોન લીધી હતી. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ રૂ. ૧૨૧.૬૦ કરોડની લોન એનપીએ થઈ હતી. દેવાદારો લોન ચૂકવવામાં નિષ્ફળ રહેતાં ડિફોલ્ટ થયા હતા. ડિફોલ્ટની પ્રક્રિયા બાદ હાથ ધરાયેલા ફોરેન્સિક ઓડિટમાં અનેક ખુલાસા થયા.
એપ્રિલ, ૨૦૨૪થી માર્ચ, ૨૦૧૭ સુધીના ફોરેન્સિક ઓડિટમાં અનેક શંકાસ્પદ વહેવારો જોવા મળ્યા હતા. જેમાં અનિલ ગ્રૂપની અન્ય કંપનીઓ દ્વારા રૂ. ૪૪.૨૭ કરોડની ચૂકવણી અને રૂ. ૨૭.૯૫ કરોડની રિસિપ્ટ સમાવિષ્ટ હતી.
અનિલ ટ્રેડકોમ લિ. અને અન્ય કંપનીઓને રેમિટન્સ ટ્રાન્સફર કર્યા હતા. ગ્રૂપની ફડચામાં ગયેલી કંપનીઓને ચૂકવણી કરવામાં આવી હતી. બેન્ક ઓફ ઈન્ડિયાની મંજૂરી વિના રેલિગર ફિનવેસ્ટને રૂ. ૧૦ કરોડનું બિનઅધિકૃત ફંડ ફાળવ્યું હતું. કંપનીના કેશ-ક્રેડિટ એકાઉન્ટનો ઉપયોગ કરી કંસ્ટ્રક્શન કંપની નવકાર બિલ્ડર્સને રૂ. ૨.૫ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
ઓડિટર્સે નોંધ્યું હતું કે, બેન્ક સમક્ષ રજૂ કરવામાં આવેલા સ્ટોક સ્ટેટમેન્ટ પણ ખોટા અને અવિશ્વસનીય હતા. વધુમાં તેની મોનિટરિંગ ટીમને ચોક્કસ પ્લાન્ટમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવતા કૌભાંડની શંકા ઉભી થઈ હતી.
બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ ૨૦૧૭માં ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા રિકવરી કાર્યવાહી શરૂ કરી હતી, માર્ચ ૨૦૧૮માં રિકવરી સર્ટિફિકેટ મેળવ્યા બાદ ટાંચમાં લીધેલી સંપત્તિઓ ઈ-ઓક્શન દ્વારા વેચવામાં આવી હતી, પરંતુ બેન્કે ફોરેન્સિક ઓડિટ અને કંપનીના શો-કોઝ નોટિસના જવાબોને ધ્યાનમાં લીધા પછી ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એકાઉન્ટને “ફ્રોડ” જાહેર કર્યા હતા. અનિલ ગ્રુપની બે અન્ય કંપનીઓ, અનિલ લિમિટેડ અને અનિલ ન્યુટ્રિએન્ટ્સ લિમિટેડને પણ ફ્રોડ એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ અલગ-અલગ તપાસ હેઠળ છે.