Last Updated on by Sampurna Samachar
જજ પર ચપ્પલ ફેંકનાર ફરિયાદીની અટકાયત કરાઇ
ફરિયાદીની જજ સાથે બોલાચાલી પણ થઈ હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યાયની દેવીના મંદિરમાં જ ગરિમાને ઠેસ પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં બની હતી. ચાલુ સુનાવણી દરમિયાન એક ફરિયાદીએ રોષે ભરાઈને એડિશનલ પ્રિન્સિપલ જજ એમ. પી. પુરોહિત તરફ ચપ્પલ ફેંક્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સિપલ જજ એમ. પી. પુરોહિતની કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન, કેસના એક ફરિયાદીએ અચાનક ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાનો કાબૂ ગુમાવી જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું.
અગાઉ પણ બની ચૂક્યા છે આવા બનાવો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીની અપીલ કાઢી નાખવામાં આવી હોવાથી તેણે આ હરકત કરી હતી. ચપ્પલ ફેંકતા પહેલા ફરિયાદીની જજ સાથે બોલાચાલી પણ થઈ હોવાનું કહેવાય છે. આ ચોંકાવનારી ઘટના બનતા જ કોર્ટરૂમમાં ચકચાર મચી ગઈ હતી. કોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તુરંત હરકતમાં આવ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને જજ પર ચપ્પલ ફેંકનાર ફરિયાદીની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ન્યાયતંત્રની ગરિમાને ખંડિત કરતી આ ઘટનાએ ન્યાયપાલિકામાં ચિંતા જગાવી છે. અગાઉ પણ અમદાવાદમાં કોર્ટની અંદર આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે, જે દર્શાવે છે કે ન્યાય પ્રક્રિયામાં વિલંબ કે અસંતોષના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી ફરિયાદી સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે.