ઘણા વર્ષો પહેલા આ કંપનીઓના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ટિ્વટ કરીને તેના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા આપી છે. ઉથપ્પાએ જણાવ્યું હતું કે તેમનો સ્ટ્રોબેરી લેન્સરિયા પ્રાઈવેટ લિમિટેડ, સેંટૌરસ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ અને બેરી ફેશન હાઉસ – ત્રણ કંપનીઓ સાથે કોઈ સીધો સંબંધ નથી.
રોબિન ઉથપ્પાએ ૨૦૧૮-૧૯માં આ કંપનીઓને નાણાકીય યોગદાન તરીકે લોન આપી હતી, જેના બદલામાં તેમને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કંપનીઓમાં તેમની કોઈ એક્ઝિક્યુટિવ ભૂમિકા નથી અને ન તો તેઓ રોજબરોજના કામકાજમાં સામેલ હતા. તેમનું કહેવુ હતું કે, “એક વ્યાવસાયિક ક્રિકેટર, ટીવી પ્રસ્તુતકર્તા અને કોમેન્ટેટરના રુપમાં પોતાની વ્યસ્તતાઓના કારણે આ કંપનીઓની બાબતોમાં ભાગ લેવાનો સમય કે કુશળતા નહોતી.”
ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે આ કંપનીઓ દ્વારા તેમને આપવામાં આવેલી લોનની ચૂકવણી કરવામાં આવી ન હતી, જેના પરિણામે તેણે કાનૂની કાર્યવાહી કરવી પડી હતી, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. તેણે એ પણ જણાવ્યું કે તેણે ઘણા વર્ષો પહેલા આ કંપનીઓના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
રોબિન ઉથપ્પાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે પ્રોવિડન્ટ ફંડ ઓથોરિટીએ લેણાંની ચુકવણી અંગે નોટિસ જારી કરી હતી, ત્યારે તેમની કાનૂની ટીમે જાણાવ્યું હતું કે આ કંપનીઓમાં તેમની કોઈ ભૂમિકા નથી અને કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજોમાં આનો પુરાવો પણ આપવામાં આવ્યો હતો. આ હોવા છતાં, PF ઓથોરિટીએ કેસને આગળ વધાર્યો અને ઉથપ્પાના કાયદાકીય સલાહકારો આ મામલાને ઝડપથી ઉકેલવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે.
રોબિન ઉથપ્પાએ મીડિયાને અપીલ કરી છે કે તેઓ આ કેસ સાથે જોડાયેલા તથ્યો વિશે સંપૂર્ણ માહિતી રજૂ કરે અને જે પણ માહિતી શેર કરવામાં આવી રહી છે તેની સત્યતા તપાસે. પૂર્વ ક્રિકેટરની આ સ્પષ્ટતા તેની સામે ચાલી રહેલા વિવાદને લઈને તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે છે અને એ પણ જણાવે છે કે તે કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સામેલ નથી.