Last Updated on by Sampurna Samachar
તમિલનાડુમાં કોલેજની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યુ
એક મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના ઝડપી યુગમાં, યુવાનો માટે અભ્યાસ, નોકરી અને સંબંધોનો બોજ નોંધપાત્ર રીતે વધી ગયો છે. આ બોજના કારણે, નાની નાની બાબતો પણ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોન સંબંધોને વધુ જટિલ બનાવી દે છે.

તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાંથી આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ૧૮ વર્ષની કોલેજની હોશિયાર વિદ્યાર્થિનીએ તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડા કરીને વીડિયો કોલ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
ઝઘડાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નહીં
આ ઘટના તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના વૃદ્ધચલમ નજીક એરુમાનૂર ગામમાં બની હતી. મૃતક વિદ્યાર્થીનું નામ દર્શિની હતું, જે ગવર્નમેન્ટ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાંના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. દર્શિની માત્ર એક તેજસ્વી વિદ્યાર્થી જ નહોતી, પરંતુ કોલેજ પછી પાર્ટ-ટાઇમ કામ પણ કરતી હતી, જેથી તે તેના પરિવારને આર્થિક રીતે ટેકો આપી શકે. તે એક મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતી હતી, ગ્રાહકોને સંભાળતી હતી અને દુકાનનું સંચાલન કરતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, દર્શિનીની દુકાન માલિકના ૩૧ વર્ષીય સાવકા ભાઈ સાથે મુલાકાત થઈ હતી. દુકાન માલિક જ્યારે બહાર હોય, ત્યારે તે ગ્રાહકોને સંભાળતો હતો. ધીમે ધીમે, તેઓ નજીક આવ્યા અને પ્રેમ સંબંધમાં બંધાયા હતા.
જોકે, લગભગ ૨૦ દિવસ પહેલા, દુકાનમાંથી કેટલીક રોકડ રકમ ગાયબ થઈ ગઈ, જેના કારણે દુકાન માલિકે ગુસ્સે ભરાઈને તેના સાવકા ભાઈને દુકાનમાં પ્રવેશવાની મનાઈ કરી હતી. આ ઘટનાના કારણે તે બંનેના સંબંધો બગડી ગયા હશે.
રવિવારે, સાંજે ૪ વાગ્યાની આસપાસ, દર્શિની દુકાનમાં કામ કરતી હતી. તેણી તેના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરવા લાગી હતી. કોલ દરમિયાન, તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ઝઘડા પછી તરત જ, દર્શિની દુકાનના વોશરૂમમાં ગઈ અને કોલ ચાલુ હતો, ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
તેના બોયફ્રેન્ડે વીડિયો કોલ પર આખી ઘટના જોઈ, જેનાથી તે ગભરાઈ ગયો હતો. તેણે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો અને દુકાનના અન્ય કર્મચારીઓને જાણ કરી હતી. આ બાદ, કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો.
પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દર્શિનીનો મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ બાદ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃત્યુ આત્મહત્યા દ્વારા થયું હતું, પરંતુ ઝઘડાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી. પોલીસે બોયફ્રેન્ડ અને દુકાન માલિક સહિત અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે.