Last Updated on by Sampurna Samachar
જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું નિવેદન
સનાતનના પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તક શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ વિશે વિવાદિત ટિપ્પણી લખવામાં આવી છે. ત્યારે ભગવાન દ્વારકાધીશમાં આસ્થા ધરાવનારા માલધારી સમાજ, આહિર સમાજ સહિતના જુદા જુદા સમાજના વ્યક્તિઓ દ્વારા પોતાનો રોષ પ્રગટ કરવામાં આવ્યો છે.

ત્યારે આ પુસ્તકને લઈ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું નિવેદન પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશને લઈ ટિપ્પણી લખવામાં આવી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
આજે પણ કરોડોની આસ્થા છે ભગવાન દ્વારકાધીશ
સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યુ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર અવતાર લીધા તેને ૫૫૦૦ વર્ષ સુધી ચુક્યા છે. તેની સામે સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને માત્ર ૨૦૦ થી ૨૫૦ વર્ષ જેટલો જ સમય થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂડમાં જઈએ તો સહજાનંદ સ્વામી છે.
ત્યારે સહજાનંદ સ્વામીના પૂર્વે કોણ હતું? જે હતું તે સનાતન હતું તેમ જ સનાતનના પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ છે. ભગવાન શ્રીકૃષ્ણના જ વંશજ વજ્રનાભ દ્વારા ભગવાન દ્વારકાધીશના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ કરોડો લોકો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા ધરાવે છે. આજે પણ ત્યાં નિયમિત રીતે ૫૨ ગજની ધજા ચડાવવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે ઉચિત નથી. કોઈપણ વાત કરતા સમયે તેના સિદ્ધાંતને અનુરૂપ તેની વાત કરવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામ સાસ્વત છે. ભગવાનના દશાવતાર તેમજ ૨૪ અવતારોમાં કોઈપણ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના નામનો ઉલ્લેખ નથી.
કોઈપણ જગ્યાએ સહજાનંદ ભગવાનના નામનો ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા લોકો સહજાનંદ ભગવાનને મહાપુરુષ તરીકે, ગૃહભાવ તરીકે ચોક્કસ તેમની પૂજા અર્ચના કરી શકે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા લોકોએ હજારો મંદિરો બનાવ્યા છે. પોતાના ધર્મને ઉપર ઉઠાવવા માટે અન્ય ધર્મ અન્ય સંપ્રદાય ઉપર નિમ્ન ટીકા ટીપણીઓ કરવી તે અધર્મ છે. તે અયોગ્ય છે.
ભગવાન સ્વામિનારાયણ, સહજાનંદ મહારાજ તેમજ તેમના પિતા કોની પૂજા કરતા હતા? તેમની પૂજા ભારતવાસીઓ અનાદિકાળથી કરી રહ્યા છે. દ્વારકા ચારધામ પૈકીનું એક ધામ છે. જે વૈદોક્ત છે, જે પુરાણોક્ત છે.