Last Updated on by Sampurna Samachar
ગોલ્ડી બરાડ ગેંગના બે શૂટર એન્કાઉન્ટરમાં પકડાયા
બાઈક પર આવેલા ગુનેગારોએ ગોળીબાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના જૈતપુર-કાલિંદી કુંજ રોડ પર સ્પેશિયલ સેલની ટીમે એક એન્કાઉન્ટર બાદ રોહિત ગોદારા, ગોલ્ડી બરાડ, વીરેન્દ્ર ચારણ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોમેડિયન મુનવ્વર ફારુકી આ શૂટરોના ટારગેટ પર હતો.
ધરપકડ કરાયેલા શૂટરોના નામ રાહુલ (પાણીપત, હરિયાણા) અને સાહિલ (ભિવાની, હરિયાણા) છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ઘાયલ શૂટર રાહુલ ડિસેમ્બર ૨૦૨૪માં યમુનાનગરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં સંડોવાયેલો હતો અને ઓળખના અભાવે ફરાર હતો.
સમયસર કાર્યવાહીથી શૂટરોનું ષડયંત્ર નિષ્ફળ
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બંને શૂટર છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી ગેંગસ્ટર રોહિત ગોદારા, ગોલ્ડી બરાડ અને વીરેન્દ્ર ચારણના ઈશારે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તેઓ મુંબઈ અને બેંગ્લોરમાં પોતાના ટારગેટની રેકી પણ કરી ચૂક્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે, હરિયાણા ટ્રિપલ મર્ડર કેસના આરોપીઓ દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં છે. પોલીસે તેમને સવારે લગભગ ૩:૦૦ વાગ્યે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઈક પર આવેલા ગુનેગારોએ ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં બંને શૂટરોને પગમાં ગોળી વાગી અને તેમની ધરપકડ કરીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા.
ઘટનાસ્થળેથી તેમની પાસેથી હથિયાર અને એક મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, કોમેડિયન મુનવ્વર ફારુકી આ હત્યાના ષડયંત્રમાં ટારગેટ પર હતો, પરંતુ સમયસર કાર્યવાહીથી શૂટરોનું ષડયંત્ર નિષ્ફળ ગયું.