Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં કાર ચાલકો બેફામ !!
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં રફતારનો ભયાનક આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જોકે હદ તો એટલે થઇ રહી છે કે અમદાવાદમાં કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાની ઘટના બની છે. ચાંદખેડા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે એક લક્ઝુરિયસ કાર ચાલકે પોલીસ કર્મી પર જ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાના કેસમાં પોલીસે કારચાલક જમીન દલાલ અને તેની પત્નીની ધરપકડ કરી છે. પોલીસે કાળા કાચવાળી SUV કાર પણ કબજે કરી છે. ચાંદખેડાના તપોવન સર્કલ પાસે SUV ચાલકે નાકાબંધી સમયે પુરપાટ કાર દોડાવી હતી. જેમા કાર રોકવાનો પ્રયાસ કરનાર કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો છે.
પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ કરી હતી. જેમાં કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાના ઇરાદે કારચાલક જમીન દલાલે કાર ચઢાવ્યાનો આરોપ છે. કોન્સ્ટેબલ પર કાર ચઢાવવા વાંકી ચુકી કાર ચલાવ્યાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે. પોલીસે કારચાલક જમીન દલાલ અને તેની પત્નીની પુછપરછ હાથ ધરી છે.