CMO બાદ છેક PMO સુધી ધ્રુમિલ પટેલની ફરિયાદ પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ભાજપના સંગઠનમાં નવી નિમણૂંકો બાદ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. કેટલાક મંડળ પ્રમુખોની નિમણૂંકને લઈને સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે CMO માંથી હાંકી કઢાયેલા ધ્રુમિલ પટેલને વોર્ડ પ્રમુખ બનાવી દેવાયો છે. PSI પોસ્ટિંગ, બિલ્ડરોની પાસ કરાવતા હોવાની ફરિયાદો છેક PMO સુધી પહોંચી હતી, એ જ નેતાને હવે મુખ્યમંત્રીના મત વિસ્તારની જવાબદારી સોંપાઈ છે.
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર પછી રાજ્યમાં જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ધ્રુમિલ પટેલની નિયુક્તિ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે થઇ હતી. પરંતું ધ્રુમિલ પટેલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરોને મલાઈદાર પોસ્ટીંગ અને ગમતું પોસ્ટીંગ આપવા માટે ધ્રુમિલ પટેલે મોટાપાયે વહીવટો કર્યા હતા. સાથે જ બિલ્ડરોની ફાઈલો પાસ કરાવવામાં ઘ્રુમિલ પટેલ પર આરોપ લાગ્યા હતા. આ અંગે ભાંડો ફૂટતા CMO બાદ છેક PMO સુધી ધ્રુમિલ પટેલની ફરિયાદ કરવામાં આવી હતી.
આ બાદ ધ્રુમિલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. પરંતુ હવે કંઈક એવું થયું કે ફરી ધ્રુમિલ પટેલ ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ભાજપે વોર્ડ પ્રમુખોના નામોની સત્તાવાર જાહેરમાં ધ્રુમિલ પટેલ ફરી ચર્ચામાં આવ્યો છે. મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં વોર્ડ પ્રમુખપદે શ્રુમિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ વિવાદાસ્પદ નિમણૂંકને કારણે ભાજપની નેતાગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ ૨૦૧૭માં પહેલીવાર ઘાટલોડિયાથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા ત્યારથી ધ્રુમિલ પટેલ તેમની સાથે કામ કરી રહ્યો છે. કોલેજના દિવસોમાં તે NSUI ના સક્રિય કાર્યકર્તા હતા, પરંતુ પાછળથી તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલ અગાઉ તે પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પાર્ટી ઓફિસમાં પણ કામ કરી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓમાં થતી ચર્ચા મુજબ ધ્રુમિલ પટેલની પીઆઈ અને પીએસઆઈની ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં દખલગીરી રહેતી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં એક પીઆઈની IPS ના રીડર તરીકે નિમણૂંક થઈ હતી. એવી ચર્ચા છે કે ધ્રુમિલે સિનિયર પોલીસ અધિકારીને ફોન કરી આ PI ની ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. એટલું જ નહીં, પોલીસ ઈન્સ્પેક્ટરો મલાઈદાર પોસ્ટિંગ માટે ધ્રુમિલનો જ સંપર્ક કરતા હતા. ધ્રુમિલના કૌભાંડો બહાર આવ્યા બાદ CM ના PA ને ગેરરીતિના આક્ષેપો બાદ તાત્કાલિક અસરથી હટાવી દેવાયો હતો.