Last Updated on by Sampurna Samachar
મુડા જમીન ફાળવણી કેસમાં ત્રણેય વિરુદ્ધ નોંધાઇ હતી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકમાં મુડા જમીન ફાળવણી કેસમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ ખાસ કોર્ટના આદેશ બાદ, ૨૭ સપ્ટેમ્બરના રોજ, લોકાયુક્ત પોલીસે CM સિદ્ધારમૈયા, તેમની પત્ની પાર્વતી અને તેમની પત્નીના ભાઈ મલ્લિકાર્જુન સ્વામી વિરુદ્ધ FIR નોંધી હતી.

લોકાયુક્ત પોલીસે જણાવ્યું હતું કે મુડા જમીન ફાળવણી કેસમાં પુરાવાના અભાવે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની પાર્વતી સામેના આરોપો સાબિત થઈ શક્યા નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે અંતિમ અહેવાલ હાઇકોર્ટમાં સુપરત કર્યો છે.
કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાને લખેલા પત્રમાં, લોકાયુક્ત પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી એકથી લઈને ચાર આરોપીઓ સામેના આરોપો પુરાવાના અભાવે સાબિત થયા નથી. તેથી અંતિમ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે.
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) દ્વારા ૨૦૧૬ થી ૨૦૨૪ દરમિયાન ૫૦: ૫૦ ના ગુણોત્તરમાં વળતર પ્લોટ પૂરા પાડવાના આરોપોની વધુ તપાસ કરવામાં આવશે અને કલમ ૧૭૩ (૮) IPC હેઠળ વધારાનો અંતિમ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શહેરી વિકાસ દરમિયાન જમીન ગુમાવનારા લોકો માટે MUDA એ એક યોજના રજૂ કરી. ૫૦:૫૦ નામની આ યોજનામાં, જેમણે પોતાની જમીન ગુમાવી હતી તેઓ વિકસિત જમીનના ૫૦% મેળવવાના હકદાર હતા. આ યોજના પહેલીવાર ૨૦૦૯ માં લાગુ કરવામાં આવી હતી. જેને ૨૦૨૦ માં તત્કાલીન ભાજપ સરકારે બંધ કરી દીધી હતી.
સરકાર દ્વારા યોજના બંધ કર્યા પછી પણ, MUDA એ ૫૦:૫૦ યોજના હેઠળ જમીન સંપાદન અને ફાળવણી ચાલુ રાખી. આખો વિવાદ આની સાથે જોડાયેલો છે. એવો આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને આ હેઠળ ફાયદો થયો હતો. મુખ્યમંત્રીની પત્નીની ત્રણ એકર અને ૧૬ ગુંઠા જમીન મુડા દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. બદલામાં, મોંઘા વિસ્તારમાં ૧૪ જગ્યાઓ ફાળવવામાં આવી. મૈસુરની બહાર આવેલી આ જમીન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુન સ્વામીએ ૨૦૧૦ માં ભેટમાં આપી હતી. એવો આરોપ છે કે MUDA એ આ જમીન સંપાદન કર્યા વિના દેવનુર III તબક્કાની યોજના વિકસાવી હતી.