Last Updated on by Sampurna Samachar
યોજના ક્યારે અમલમાં લાવશે તે અંગે કોઈ જ માહિતી નહિ
યોજના હેઠળ પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર અપાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારે ‘પઢાઈ ભી,પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો ર્નિણય લીધો છે. આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. પરંતુ રાજ્ય સરકાર આ યોજના ક્યારે અમલમાં લાવશે તે અંગેની માહિતી જ આપી નથી.
રાજ્યના આદિજાતિ વિસ્તારના ૫૨ તાલુકા અને બિન આદીજાતિ વિસ્તારના ૨૯ વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના હેઠળ ૨૦૦ મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. ત્યારે આવા ૮૧ તાલુકાઓની ૧૨,૫૨૨ શાળાઓમાં નોંધાયેલા ૧૫.૦૫ લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછી નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.
સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતનમાં વધારો કરાયો
મટીરિયલ કોસ્ટ માટે ૪૯૩ કરોડ રૂપિયા તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની કામગીરી માટે ૫૦ ટકા માનદ વેતન વધારા કરાયો છે. તેના માટે ૧૨૪ કરોડ રૂપિયા મળીને ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ માટે વાર્ષિક ૬૧૭ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.પીએમ પોષણ યોજનાના સંચાલકને હવે ૪૫૦૦ રૂપિયાનું માસિક વેતન આપાશે. આ ઉપરાંત ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક ૩૭૫૦ રૂપિયા. જ્યારે નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક ૧૫૦૦ માનદ વેતન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ આ યોજના ક્યારે અમલમાં આવશે તે અંગેની કોઈ પણ તારીખની જાહેરાત કરાઈ નથી.