Last Updated on by Sampurna Samachar
ચૂંટણીના દિવસે BJP ચા-મીઠાઈમાં ઊંઘની દવા ભેળવીને વોટ ચોરી લેશે
સાથે જ મમતા બેનર્જીએ દાવો કર્યો કે આગામી ૧૫ દિવસમાં ભાજપ ડિલિમિટેશન બિલ લાવી શકે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે અનેક મોટી રેલીઓ કરી હતી. આસનસોલ, છતના, ઓંદા અને ખંડાઘોષમાં તેમણે BJP પર એક પછી એક મોટા આરોપો લગાવ્યા હતા. TMCના ઉમેદવારોને ડરાવવાથી લઈને બંગાળને ત્રણ ટુકડામાં વહેંચવાના ષડયંત્ર સુધી મમતાએ અનેક મોટા દાવા કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં આવનારા થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ થવાનું છે. કુલ ૨૯૪ બેઠકો છે અને બહુમતી માટે ૧૪૮ બેઠકો જોઈએ. ૨૦૨૧માં BJP એ ૭૭ બેઠકો જીતી હતી. મમતાની પાર્ટી TMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસે સરકાર બનાવી હતી. આ વખતે BJP એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગળ કરીને પૂરી તાકાત લગાવી છે. આ માહોલમાં મમતાએ રેલીઓમાં અનેક મોટા દાવા કર્યા છે.
વીડિયો AIથી બનેલો અને નકલી
મમતાએ કહ્યું કે, BJP અત્યારથી જ TMC ના ઉમેદવારોને અને રાજ્ય સરકારના મંત્રીઓને પણ ફોન કરી રહી છે. BJP તેમને ધમકી આપી રહી છે કે ચૂંટણી પછી તેમની પાસે બહુમતી ઓછી પડશે તો તેઓ તેમનો સાથ આપે. મમતાએ તેને લોકશાહી માટે ઘણો મોટો ખતરો ગણાવ્યો હતો. મમતાએ એક મોટો દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર આગામી ૧૫ દિવસમાં એક ડિલિમિટેશન બિલ એટલે કે નવી સીમાઓ નક્કી કરવાનો કાયદો લાવવાની છે.
તેમણે કહ્યું કે, આ બિલ દ્વારા પશ્ચિમ બંગાળને ત્રણ ભાગમાં તોડવામાં આવશે. કેટલાક ભાગો બિહારમાં અને કેટલાક ઓડિશામાં ભેળવી દેવામાં આવશે. મમતાએ કહ્યું કે, આનાથી તે વિસ્તારોમાં રહેતા બંગાળી ભાષી લોકો સાથે ઘણું ખરાબ થશે.
મમતાએ એવો પણ દાવો કર્યો કે, BJP એ TMCને સત્તા પરથી હટાવવા માટે ૧૦૦૦ કરોડ રૂપિયાની ડીલ કરી છે. તેમણે એક વાયરલ વીડિયોનો હવાલો આપ્યો જેમાં એક નાની પાર્ટીના નેતા હુમાયુ કબીરને એમ કહેતા સાંભળી શકાય છે કે તેમને આ ડીલ હેઠળ ૨૦૦ કરોડ રૂપિયા પહેલેથી જ મળી ચૂક્યા છે. આ પૈસા લઘુમતી મતોને TMC થી તોડવા માટે આપવામાં આવ્યા છે. જો કે BJP અને તે નેતાની પાર્ટીએ કહ્યું કે વીડિયો AIથી બનેલો અને નકલી છે.
મમતાએ SIR એટલે કે મતદાર યાદીની તપાસને દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું. તેમણે કહ્યું કે, જે લોકો ૨૦૨૪માં ભારત આવ્યા તેમને નાગરિકતા આપવામાં આવી રહી છે, પરંતુ જેઓ દાયકાઓ પહેલા આવ્યા હતા તેમને નાગરિકતાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ વાત તેમણે બંગાળની મોટી વસતિ એટલે કે જૂના સમયથી અહીં રહી રહેલા લોકો વતી કહી.
મમતાએ બિહાર ચૂંટણીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે બિહારમાં BJP એ ચૂંટણી પહેલા દરેક મતદારને ૮૦૦૦ રૂપિયા આપ્યા, પરંતુ ચૂંટણી પછી બુલડોઝર ચલાવ્યા એટલે કે વચનો પૂરા ન કર્યા, પરંતુ લોકો પર જુલમ કર્યો છે. મમતાએ કહ્યું કે, BJP રેલીઓમાં પણ ૫૦૦ રૂપિયા આપીને લોકોને લાવે છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણીમાં ૭મા પગાર પંચને લાગુ કરવાનું વચન આપ્યું હતું.
મમતાએ આના પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, બંગાળની રાજ્ય સરકારે ફેબ્રુઆરી ૨૦૨૫માં જ ૭મા પગાર પંચને લાગુ કરવાની જાહેરાત કરી દીધી હતી. એટલે કે જે વચન BJP અત્યારે કરી રહી છે તે બંગાળમાં પહેલા જ થઈ ચૂક્યું છે. મમતાએ મોદી સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રેલવે અને સંરક્ષણ વિભાગમાં લાખો પદ ખાલી છે, તેમને કેમ ભરવામાં નથી આવતા? તેમણે મોદીના ૨ કરોડ નોકરીઓના વચનની પણ યાદ અપાવી અને પૂછ્યું કે તે વચન ક્યાં ગયું?
મમતાએ ફરી એકવાર એવો આરોપ લગાવ્યો કે BJP શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી લોકો સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે. તેમણે તેને બંગાળના ગૌરવ અને ઓળખ સાથે જોડ્યું અને લોકોને કહ્યું કે તેના જવાબમાં તેઓ મ્ત્નઁ ને વોટ ન આપે.
મમતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન તહેનાત કેન્દ્રીય સુરક્ષા દળો એટલે કે કેન્દ્ર સરકારના જવાનો તપાસના નામે મહિલાઓ સાથે અપમાનજનક વર્તન કરી રહ્યા છે. મમતાએ એમ પણ કહ્યું કે, તેમને ખંડાઘોષમાં રેલી કરવાની પરવાનગી આપવામાં નથી આવી, જ્યારે જગ્યા ઉપલબ્ધ હતી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ દ્વારા નવનિયુક્ત પ્રશાસન BJP મદદ કરી રહ્યું છે. મમતાએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે, BJP ચૂંટણીના દિવસે લોકોને ઊંઘની દવા ભેળવેલી ચા અને મીઠાઈ આપવાની યોજના બનાવી રહી છે.
તેમણે કહ્યું કે, આ ખાધા પછી લોકો સૂઈ જશે અને BJP તેમના વોટ ચોરી લેશે. તેમણે લોકોને કહ્યું કે, તેઓ સતર્ક રહે અને આવી કોઈ વસ્તુ ન લે. મમતાએ કહ્યું કે, BJP ધીમી વોટિંગ અને ધીમી ગણતરીની યોજના બનાવી રહી છે, જેથી EVM એટલે કે વોટિંગ મશીનો સાથે કોઈ ગરબડ કરી શકાય. તેમણે લોકોને કહ્યું કે તેઓ દરેક બૂથ પર નજર રાખે અને BJP ની કોઈ પણ ચાલને સફળ થવા ન દે.