Last Updated on by Sampurna Samachar
કુલપતિએ દારૂની ખાલી બોટલને છુપાવીને કચરાપેટીમાં નાંખી
ગુજરાત યુનિવર્સિટીમા સ્વચ્છતા અભિયાનનુ આયોજન કરાયુ હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત યુનિવર્સિટીમાં સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યુનિવર્સિટીના સ્વચ્છતા અભિયાનમાં પહોંચ્યા હતા. જેમાં સફાઈ ઝુંબેશ દરમિયાન આરોગ્ય મંત્રીને દારૂની બોટલ મળી હતી. યુનિવર્સિટી કેમ્પસમાંથી ખાલી બોટલ મળી આવતા યુનિવર્સિટી સ્ટાફે બોટલ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીમા સ્વચ્છતા અભિયાન આયોજિત કરાયું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યુનિવર્સિટી પહોંચ્યા હતા. કેમ્પસમાં તેઓએ વિદ્યાર્થીઓ સાથે સફાઈ કરી હતી. પરંતું શિક્ષણના ધામમાં કંઈક એવું થયું કે, મંત્રીજી પણ ચોંકી ગયા હતા.
ઋષિકેશ પટેલે યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી
સફાઈ દરમિયાન મંત્રીજીના હાથમાં દારૂની ખાલી બોટલ આવી ગઈ હતી. જોકે, અહી અસલી ખેલ જોવા મળ્યો. મંત્રીજીએ કોઈ જોઈ ન જાય એ રીતે દારૂની બોટલ સંતાડીને કુલપતિને આપી હતી, અને કુલપતિએ દારૂની ખાલી બોટલને મીડિયાથી છુપાવીને કચરાપેટીમાં નાંખી હતી.
સમગ્ર ઘટના ક્રમ વીડિયોમાં કેદ થઈ ગયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિતે સ્વચ્છતા એ જ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્વચ્છતાના પોસ્ટર સાથે ઋષિકેશ પટેલનું સ્વાગત કર્યું હતું. તેમજ ઋષિકેશ પટેલે સ્વચ્છતા એ જ સંકલ્પ કાર્યક્રમને લઈને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ સાથેના સંવાદ બાદ ઋષિકેશ પટેલે યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ પણ કરી હતી. આ સફાઈ દરમિયાન તેમને યુનિવર્સિટીમાંથી ખાલી દારૂની બોટલ મળી હતી.