Last Updated on by Sampurna Samachar
અમદાવાદની સિવિલમાં ICU ના દર્દી પર ભૂવાએ તાંત્રિક વિધિ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં દિવસે દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાંથી પણ વધુ એક ભૂવાએ તાંત્રિકવિધિ કરી હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે માણસ બીમાર થાય ત્યાર હોસ્પિટલમાં સારવાર કરાવવા જતા હોય છે. જો તબિયત વધારે ખરાબ હોય તેવી સ્થિતિમાં ICU માં દર્દીને દાખલ કરવામાં આવે છે. જોકે અંધશ્રદ્ધાએ અહીં એટલી હદ વટાવી કે તંત્ર વિધિ કરવા ભૂવો ICU સુધી પહોંચી ગયો.
દર્દીને કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન ન લાગે તેના માટે પરિવારજનોને પણ દર્દી પાસે જવા દેવામાં આવતા નથી. ત્યારે અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના ICU ના રુમમાં જઇને ભૂવાએ તાંત્રિક વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે આઇસીયુમાં દર્દીને મળવા જવા માટે પણ વધુ લોકોને પરવાનગી આપવામાં આવતી નથી. ત્યારે ભૂવો તાંત્રિક વિધિ કરવા ICU સુધી પહોંચી જતા સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે સવાલો ઉભા થાય છે.
ભૂવાએ હોસ્પિટલમાં પહોંચી દર્દી પર તાંત્રિક વિધિ કરી હતી. તબીબો અને નર્સ સ્ટાફની હાજરીમાં જ તાંત્રિક વિધિ કરી હતી. કડક સિક્યુરિટી વચ્ચે ભૂવો ICU સુધી કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે. જોકે સિવિલ હોસ્પિટલમાં વીડિયોગ્રાફીની મનાઈ હોવા છતા ભૂવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિક્યુરિટી ગાર્ડની પણ બેદરકારી સામે આવી છે. હોસ્પિટલનો સ્ટાફ શું કરી રહ્યો હતો જ્યારે તાંત્રિક વિધિ કરવામાં આવી આ પણ એક મોટો સવાલ છે.