Last Updated on by Sampurna Samachar
મધ્ય ગુજરાતની વીજ માગમાં ૪૦૦ મેગાવોટનો વધારો
અસહ્ય ગરમીના કારણે લોકોએ પૂરજોશમાં પંખા, કૂલર અને એસીનો ઉપયોગ શરૂ કરી દીધો હોવાથી વીજ માગમાં વધારો નોંધાઈ રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
માર્ચ મહિનામાં જ મે મહિના જેવી પડી રહેલી ગરમીથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે. હીટવેવના કારણે વડોદરા સહિત મધ્ય ગુજરાતની વીજ માગમાં છેલ્લા ૧૨ દિવસમાં જ ૪૦૦ મેગાવોટ જેટલો જંગી વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે હીટવેવ શરૂ થયો તે પહેલા ૧ માર્ચે પીક અવર્સમાં મધ્ય ગુજરાતની વીજ માગ ૧૯૭૧ મેગાવોટ હતી અને તે ૧૨ માર્ચે ૨૩૭૩ મેગાવોટ પર પહોંચી છે.

અસહ્ય ગરમીના કારણે લોકોએ પૂરજોશમાં પંખા, કૂલર અને એસીનો ઉપયોગ શરૂ કરી દીધો હોવાથી વીજ માગમાં વધારો નોંધાઈ રહ્યો છે. વીજ માગમાં થયેલા વધારામાં તો ૧૩૪ મેગાવોટનો વધારો તો ઘરેલુ વીજ માગ વધી હોવાના કારણે થયો છે. આ સિવાય ૬૪ મેગાવોટ વીજ માગ ગ્રામ્ય વિસ્તારની પણ વધી છે.ઓફિસો અને ઉદ્યોગોની વીજ માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વીજ કંપની સૂત્રોનું કહેવું છે કે, માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં વીજ માગમાં ૪૦૦ મેગાવોટ જેટલો વધારો અગાઉ ક્યારેય નોંધાયો નથી.