Last Updated on by Sampurna Samachar
યુવકે ઘટનાનો વીડિયો બનાવી આપવિતી જણાવી
આ અનિયમિતતા અંગે તંત્રમાં ફરિયાદ નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ સેવા ઘણીવાર અનિયમિતતાને કારણે વિવાદોમાં રહે છે. તાજેતરમાં રાજકોટના એક મુસાફર સાથે બનેલી ઘટનાએ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જગાવી છે. સિટી બસમાં મુસાફરી કરતા અક્ષય કંસારાએ કરેલી બસની અનિયમિતતાની ફરિયાદની સામે ધમકી ભર્યો ફોન આવવા લાગ્યો.

મળતી વધુ વિગત પ્રમાણે અક્ષય કંસારાને પ્રજાપતિ ચોકથી મહિકા ગામ જવા માટે સિટી બસ પકડવાની હતી. જોકે, બસ નિર્ધારિત સમય કરતાં ઘણી મોડી પડી હતી. એક જાગૃત નાગરિક તરીકે રહેવાસી અક્ષયે બસની આ અનિયમિતતા અંગે તંત્રમાં ફરિયાદ નોંધાવી હતી.
જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી
સામાન્ય રીતે ફરિયાદ બાદ કોઇ નિરાકરણને બદલે અહિયા આ ફરિયાદની સામે ધમકી ભર્યા ફોન આવવા લાગ્યા.અક્ષયે પોતાની સાથે બનેલી ઘટનાનો વીડિયો પણ વાયરલ કર્યો છે.ફરિયાદ કર્યાના થોડા જ સમયમાં અક્ષયને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ બસ મોડી પડવાની ફરિયાદ કરવા બદલ અક્ષયને ગંભીર ધમકીઓ આપી હતી.
આ ઘટનાથી ડરવાને બદલે અક્ષયે હિંમત બતાવી અને જે નંબર પરથી ધમકી મળી હતી તે નંબર જાહેર કર્યો હતો. સાથોસાથ પોતાની સાથે બનેલી આ સમગ્ર આપવીતીનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું સામાન્ય જનતાને પ્રાથમિક સુવિધાઓ વિશે ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી? મુસાફરનો નંબર ધમકી આપનાર વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો? શું મનપાના કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટર સાથે ધમકી આપનાર વ્યક્તિના કોઈ તાર જોડાયેલા છે? હાલમાં આ વીડિયો વાઇરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.