Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પ સરકાર વધુ એક નિર્ણયથી કરશે હાહાકાર
યાદીની સત્તાવાર હવે જાહેરાત થઇ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક આકરા પગલાંની જાહેરાત કરી વિશ્વને હચમચાવી રહ્યા છે. ટેરિફ વોર બાદ હવે તેમણે આગામી સપ્તાહથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત ઘણા દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આ પ્રતિબંધ દેશની સુરક્ષા અને જોખમોને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
આ નવો પ્રતિબંધ અમેરિકામાં શરણાર્થીઓ અને સ્પેશિયલ ઈમિગ્રન્ટ્સ તરીકે વસવાટ કરવાની મંજૂરી ધરાવતા હજારો અફઘાની નાગરિકો પર માઠી અસર કરી શકે છે. અમેરિકામાં પ્રવેશ માટે પ્રતિબંધિત દેશોની યાદીમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશો સમાવિષ્ટ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ટ્રમ્પની નવી ટ્રાવેલ બેન પોલિસીની જાહેરાત થઇ શકે
ટ્રમ્પે અગાઉ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ૨૦૧૮માં સાત મુસ્લિમ દેશોના નાગરિકો માટે અમેરિકામાં નો એન્ટ્રી જાહેર કરી હતી. જોકે, બાદમાં બાઈડેને ૨૦૨૧ માં આ પ્રતિબંધ દૂર કરતાં કહ્યું હતું કે, ‘આ પ્રતિબંધ અમારા દેશની અંતરાત્મા પર એક ધબ્બા સમાન છે.’
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટ્રાવેલ પ્રતિબંધના અહેવાલને ધ્યાનમાં લેતાં પોતાના પ્રથમ કાર્યકાળમાં મૂકેલા ટ્રાવેલ પ્રતિબંધને બીજા કાર્યકાળમાં પણ લાગુ કરે તેવી શક્યતા વધી છે. અગાઉ ઈરાન, ઈરાક, લીબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા, યમનના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ નિષેધ કરાયો હતો.
સૂત્રો અનુસાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપરાંત અન્ય દેશો પર પણ ટ્રમ્પ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દેશની સુરક્ષા અને જોખમની સમીક્ષાના આધારે ટ્રાવેલ પ્રતિબંધ મૂકવા વિવિધ દેશોની યાદી તૈયાર કરી રહ્યું છે.
ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીના રોજ એક કાર્યકારી આદેશ જાહેર કર્યો હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમી દેશોમાંથી આવતા ઈમિગ્રન્ટ્સની આકરી તપાસ કરવાનો નિર્દેશ હતો. કોઈપણ વિદેશીને પ્રવેશ આપતાં પહેલાં જ આકરી સુરક્ષા તપાસ કરવાની જરૂરિયાતને દર્શાવતા કેબિનેટના સભ્યોને ૧૨ માર્ચ સુધી એવા દેશોની યાદી આપવા નિર્દેશ કરાયો હતો, જ્યાંથી આવતા નાગરિકો પર આંશિક કે સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી શકાય.
અમેરિકા (AMERICA) ની સરકાર સાથે અફઘાનીઓના સ્થળાંતર અને પુનર્વસનનું સંકલન કરતું ગઠબંધન #AFGHANEVAC ના વડે શૉન વેનડાઇવરે અમેરિકાના વિઝા ધરાવતા લોકોને વહેલી તકે અમેરિકામાં પ્રવેશ લઈ લેવા સલાહ છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પની નવી ટ્રાવેલ બેન પોલિસીની હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરાઈ, પરંતુ આગામી સપ્તાહે આ મામલે જાહેરાત થઈ શકે તેવી શક્યતા છે.