Last Updated on by Sampurna Samachar
પોલીસે આ મામલે ફૂડ સ્ટોલના માલિક સામે ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈના વર્લી આદર્શ નગરમાં યુવક ગ્રાઇન્ડિંગ મશીન પાસે ઊભો છે અને તેમાં કંઈક પીસી રહ્યો છે. પછી યુવક મશીનમાં ફસાઈ જાય છે અને એ જ મશીનમાં કચડાઈને તેનું મોત થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ ના વર્લી આદર્શ નગરમાં એક દર્દનાક ઘટના સામે આવી હતી. જેમાં એક ૧૯ વર્ષીય યુવક ગ્રાઇન્ડર મશીનમાં ફસાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો. મૃતક યુવક સૂરજનારાયણ યાદવ ઝારખંડનો રહેવાસી હતો અને મુંબઈમાં એક ચાઈનીઝ ફૂડ સ્ટોલ પર કામ કરતો હતો. ઘટના એ સમયે બની જ્યારે સૂરજ મંચુરિયન અને ચાઈનીઝ ભેલ માટે કાચો માલ ગ્રાઇન્ડરમાં પીસી રહ્યો હતો. આ દરમિયાન તેનો શર્ટ ગ્રાઇન્ડરમાં ફસાઈ જતાં તે પોતે પણ મશીનમાં ખેંચાઈ ગયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે દર્શાવે છે કે કેવી રીતે સૂરજ મશીનમાં ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સૂરજને મશીનમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ પોલીસે આ મામલે ફૂડ સ્ટોલના માલિક સચિન કોઠેકર સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, સૂરજને ગ્રાઇન્ડર મશીન ચલાવવાનો કોઈ અનુભવ નહોતો અને તેને આ કામ સોંપવું એ માલિકની બેદરકારી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.