Last Updated on by Sampurna Samachar
ગુજરાત સહિતના ૩ રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ
વિદેશી અને પાકિસ્તાની સાથે ચેટ કરતા હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન CID ઇન્ટેલિજન્સ યુનિટે રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી એક ઈન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ એજન્ટની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલો આ એજન્ટ રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોમાંથી ભારતીય સેના સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર્સને પૂરી પાડતો હતો.

ધરપકડ કરાયેલા ISI એજન્ટની ઓળખ પંજાબના ફિરોઝપુરના રહેવાસી પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ (ઉ.વ. ૩૪) તરીકે થઈ છે. જયપુર CID ઇન્ટેલિજન્સ IG પ્રફુલ્લ કુમારે જણાવ્યું હતું કે ‘૨૭મી નવેમ્બરના રોજ, શ્રીગંગાનગરમાં સાધુવાલી લશ્કરી બેઝ નજીક પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ શંકાસ્પદ રીતે જોવા મળ્યો હતો. બોર્ડર ઇન્ટેલિજન્સ ટીમે તેની અટકાયત કરીને તેના મોબાઇલ ફોનની તપાસ કરી, જેમાં વિદેશી અને પાકિસ્તાની વોટ્સએપ નંબરો સાથે ચેટિંગ હોવાનું બહાર આવ્યું હતું.
ISI તરફથી મોટી રકમ ચૂકવવામાં આવી
ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા પ્રકાશ સિંહે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યાં હતા. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સતત સંપર્કમાં હતો. તે ભારતીય સેનાના વાહનો, લશ્કરી સ્થાપનો, સરહદી ભૂપ્રદેશ, પુલ, રસ્તાઓ, રેલવે લાઈનો અને નવા બાંધકામ પ્રોજેક્ટ્સ સહિતની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલી રહ્યો હતો.
તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે પ્રકાશ સિંહે પાકિસ્તાની એજન્ટોની વિનંતી પર ભારતીય નામે જારી કરાયેલા મોબાઈલ નંબરોના OTP પણ પૂરા પાડ્યા હતા. આ OTP નો ઉપયોગ કરીને, પાકિસ્તાની એજન્ટોએ ભારતીય નંબરો પર WhatsApp સક્રિય કર્યું અને જાસૂસી તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી. આ કામ માટે તેને ISI તરફથી મોટી રકમ પણ ચૂકવવામાં આવતી હતી.
આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જયપુરમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા વધુ તપાસ કર્યા પછી, પ્રકાશ સિંહ ઉર્ફે બાદલની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.