Last Updated on by Sampurna Samachar
પોલીસ ટીમ સાથે કામગીરી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લાં એક સપ્તાહથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી હતી. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ ૭ ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે યાત્રાધામ ચોટીલામાં વહીવટીતંત્ર દ્વારા ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્રે બુલડોઝર ફેરવ્યું હતું.
ચોટીલા વહીવટી તંત્ર સહિતની ટીમ દ્વારા ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં ગેરકાયદે અને નડતર રૂપ દબાણો હટાવવાની કામગીરી હાથધરવામાં આવી હતી. જેમાં બુલડોઝરની મદદથી તળેટી વિસ્તારમાં આવેલ અલગ-અલગ અંદાજે ૨૦૦ થી વધુ દુકાનોના છાપરાઓને જેસીબીની મદદથી હટાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ અંગે અગાઉ દુકાનધારકોને નોટીસો પાઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય દબાણ ન હટાવતા ચોટીલા ડેપ્યુટી કલેકટરની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું અને અતિક્રમણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ અતિક્રમણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.