Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટ ગરીબ રોકાણકારોને ‘ગુનાની રકમ’ પરત કરવાની તરફેણમાં
(સંપૂર્ણ સમાચાર સેવા )
ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી કૌભાંડનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે, જેના કારણે ૬ હજાર કરોડ રૂપિયાથી વધુની અટેચ્ડ એસેટ્સ વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પણ ગરીબ રોકાણકારોને ‘ગુનાની રકમ’ પરત કરવાની તરફેણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ કાયદામાં ફેરફારની શક્યતાઓ શોધી રહ્યા છે, જેથી છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારો અટેચ કરેલી સંપત્તિનો ઉપયોગ કરીને તેમના પૈસા પાછા મેળવી શકે. મળતા અહેવાલ મુજબ, એગ્રી ગોલ્ડ પોન્ઝી કૌભાંડના ૩૨ લાખ પીડિતોને પૈસા પરત કરવા માટે રૂ.૬,૦૦૦ કરોડથી વધુની અટેચ કરેલી સંપત્તિ વેચવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે જ એગ્રી ગોલ્ડ કંપની અને તેના પ્રમોટરો વિરુદ્ધ હૈદરાબાદની PMLA કોર્ટમાં ગઈ હતી. એજન્સીએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશામાં અટેચ કરેલી મિલકતોના નિકાલની માંગ કરી હતી.
રિપોર્ટ અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘ED દ્વારા જે પ્રોપર્ટીના સંદર્ભમાં અરજી કરવામાં આવી છે તેમાં ૨૩૧૦ રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ, એપાર્ટમેન્ટ્સ, એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે.’ એટેચ કરાયેલી ૨૩૧૦ મિલકતોમાંથી ૨૨૫૪ આંધ્રપ્રદેશમાં, ૪૩ તેલંગાણામાં, ૧૧ કર્ણાટકમાં અને ૨ ઓડિશામાં છે. અગાઉ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે અટેચ કરેલી મિલકતોને પરત કરવાની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, એગ્રી ગોલ્ડ સ્કીમના એજન્ટોએ ૩૨ લાખ ગ્રાહકો પાસેથી રૂ. ૬ હજાર ૪૦૦ કરોડથી વધુની વસૂલાત કરી હતી. આંધ્રપ્રદેશ CID એ અગાઉ પણ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને માંગણી કરી હતી કે ED એ અટેચ કરેલી મિલકતોની નોંધણી કરવામાં આવે, જેથી પીડિતોમાં પૈસા વહેંચી શકાય. ED એ એગ્રી ગોલ્ડ ગ્રૂપ અને તેના પ્રમોટર એવા વેંકટ રામા રાવ, તેમના પરિવારના સભ્યો એવા વેંકટ સેશુ નારાયણ અને અવા હેમા સુંદર વરા પ્રસાદની ડિસેમ્બર ૨૦૨૦માં ધરપકડ કરી હતી.