Last Updated on by Sampurna Samachar
બાઇક ચાલક યુવકને ૪૦ ટાંકા લેવાની પડી ફરજ
ચાઇનીઝ દોરીના વેચાણ સામે પણ ગંભીર સવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાયણના તહેવારને થોડાંક દિવસનો જ સમય બાકી છે. ત્યાં મહેસાણામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ પોતાનો કહેર સામે આવ્યો છે. મહેસાણાના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર એક બાઈકચાલક આ જીવલેણ દોરીનો શિકાર બન્યો હતો. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને ચાઇનીઝ દોરીના વેચાણ સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી અનુસાર, એક યુવાન પોતાની બાઇક લઇને રાધનપુર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક હવામાં લટકતી જીવલેણ ચાઇનીઝ દોરી તેના ગળાના ભાગે આવી ગઇ. દોરી એટલી ધારદાર હતી કે બાઇક ઉભી રાખે તે પહેલાં જ તેનું ગળું ગંભીર રીતે કપાઇ ગયુ હતું. લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ
હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું કે ઘા ખૂબ જ ઊંડો હતો. યુવાનના ગળાના ભાગે ૪૦ જેટલા ટાંકા લેવા પડ્યા છે. સદનસીબે સમયસર સારવાર મળતા યુવાનનો જીવ બચી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, બજારમાં તેનું છૂપી રીતે વેચાણ થઈ રહ્યું છે. લોકોની માંગ છે કે ચાઇનીઝ દોરી વેચનારા વેપારીઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે.