Last Updated on by Sampurna Samachar
Contents
યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ મોટો લાભ થયો રશિયાને!
રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે : રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વમાં એકતરફ છેલ્લા ચાર વર્ષથી રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ભાયનક હુમલા કરી રહ્યું છે. હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન વધુ અક્રમક બની ગયું છે અને તે અમેરિકા-ઈઝરાયલ સાથે લડવાની સાથે પડોશી દેશો કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન સહિતના દેશો પર મિસાઈલો ઝિંકી રહ્યું છે.

મધ્ય-પૂર્વમાં આ ભયાનક પરિસ્થિતિની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાને વેપાર માટેનો સૌથી વ્યસ્ત જળમાર્ગ હોર્મુઝ પર કોઈપણ કન્ટેનરની અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે, જેના કારણે ત્યાં ક્રૂડ ઓઈલનો જથ્થા સહિતના ઉત્પાદનો અટકી પડ્યા છે. આ કારણે ક્રૂડ ઓઈલના ભાવો આસમાને પહોંચી ગયા છે, શેર માર્કેટ ક્રેશ થવા લાગ્યું છે, વૈશ્વિક સપ્લાયનો માર્ગ તૂટી જવાથી ખાતરથી ખોરાક સુધી અનેક મુશ્કેલી ઉભી થઈ છે.
વૈશ્વિક માર્કેટમાં તેલ અને ગેસની કિંમતો આસમાને પહોંચી
યુદ્ધની વર્તમાન સ્થિતિ મુજબ, જો યુદ્ધ બંધ નહીં થાય તો વિશ્વના અનેક દેશો ભૂખમરાનો શિકાર બની જશે. યુદ્ધમાં અબજો રૂપિયા વેડફી નખાયા છે, પરંતુ તેનો સૌથી મોટો લાભ રશિયાનો થયો છે. યુદ્ધના કારણે રશિયાનો ખજાનો ભરાઈ રહ્યો છે, જ્યારે ચીનને અબજો ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે.
મધ્ય-પૂર્વના યુદ્ધ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાના કારણે વૈશ્વિક માર્કેટમાં તેલ અને ગેસની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પ્રતિ બેરલ ક્રૂડ તેલની કિંમત ૧૧૦ ડૉલર પાર પહોંચી ગઈ છે.
ઈરાને હોર્મુઝનો માર્ગ બંધ કરી દેતા રશિયન તેલની માંગમાં ધરખમ વધારો થયો છે. થોડા મહિનાઓ પહેલા જ અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવાનો આદેશ આપ્યો હતો અને આ માટે તેમણે દબાણ પણ કર્યું હતું. ત્યારે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત કહી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા વારંવાર કહેતું હતું કે, જે દેશો રશિયા પાસેથી તેલ ખરીદે છે, રશિયા તેઓના નાણા યુદ્ધ પાછળ વાપરી રહ્યું છે. આ કારણે અમેરિકા સહિત પશ્ચિમ દેશોએ રશિયન તેલ આયાત પર પ્રતિબંધ ઝિંકી દીધો હતો. ત્યારબાદ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને તેલ પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર કરી હતી, જેનો ભારત અને ચીને પૂરો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદી રહ્યા હતા.
રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું છે. ૨૮ ફેબ્રુઆરી પહેલા પ્રતિ બેરલ રશિયન તેલ પર ૧૦થી ૧૩ ડૉલરના ડિસ્કાઉન્ટ હતું, જોકે હવે તે ઘટીને ચારથી પાંચ ડૉલર કરી દેવાયું છે. ભારતીય ઓઈલ કંપનીએ ફેબ્રુઆરીમાં ૧૩ ડૉલરના ડિસ્કાઉન્ટ પર રશિયા પાસેથી તેલના બે કાર્ગો મંગાવ્યા હતા, જોકે હવે તમામ દેશો માટે આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવાયું છે. એટલે કે, આ યુદ્ધથી રશિયન સરકારી ખજાનો ભરાશે.
હાલ રશિયન ક્રૂડ ઓઈલની માંગ વધી રહી છે. માત્ર ભારત જ નહીં યુરોપીયન દેશ પણ રશિયા પાસેથી ખરીદી કરવાનું વિચારી રહ્યા છે.ઈરાનમાં યુદ્ધના કારણે ચીનને ડબલ ફટકો પડ્યો છે. ચીન ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર હતો અને ભારે ડિસ્કાઉન્ટ પર ક્રૂડ તેલ ખરીદી રહ્યો હતો.
ઈરાનનું ૯૦ ટકા તેલ ચીન પહોંચતું હતું, જાેકે યુદ્ધના કારણે આ સ્રોત બંધ થઈ ગયો છે. એટલું જ નહીં ચીનના ૪૦૦ અબજ ડૉલર પણ ફસાઈ ગયા છે. કેટલાક દાયકાઓથી ચીન ઈરાન સાથે મિત્રતા વધારી રહ્યું છે. આ જ કારણે તેણે ઈરાનમાં ભારે રોકાણ કર્યું છે. માર્ચ-૨૦૨૧માં ચીન-ઈરાને ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા.