Last Updated on by Sampurna Samachar
આ ઉપચારની કેટલાક તબીબોએ વિરોધ નોંધાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોતાના રોગોની સારવાર માટે લોકો ડોક્ટરો પાસે જાય છે અને સારવાર લે છે. પરંતુ ચીનમાં, લોકો સંધિવાની સારવાર માટે વિચિત્ર વસ્તુઓ કરી રહ્યા છે. અહીં વાઘના પેશાબનો ઉપયોગ સંધિવાના ઉપચાર માટે થાય છે. પરિસ્થિતિ એવી છે કે ચીનના બજારમાં વાઘનું પેશાબ બોટલમાં ભરીને ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે.
દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં એક પ્રાણી સંગ્રહાલય સંધિવાની સારવાર તરીકે વાઘનું પેશાબ વેચી રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલયનું નામ યાન’આન બાયફેંગ્ઝિયા વાઇલ્ડલાઇફ ઝૂ છે. આ પ્રાણી સંગ્રહાલય અહીં આવતા પ્રવાસીઓને સાઇબેરીયન વાઘનું પેશાબ વેચી રહ્યું છે. તેમનો એવો પણ દાવો છે કે તે સંધિવા, મચકોડ અને સ્નાયુઓના દુખાવામાં ચમત્કારિક રાહત આપે છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ પ્રાણી સંગ્રહાલય વાઘના પેશાબની બોટલ ૫૦ યુઆન (લગભગ ૬૦૦ રૂપિયા) પ્રતિ બોટલમાં વેચી રહ્યું છે. દરેક બોટલમાં ૨૫૦ ગ્રામ વાઘનું મૂત્ર હોય છે. આદુ મિક્સ કરીને શરીર પર લગાવો અથવા પીવો
પ્રાણી સંગ્રહાલયે દુખાવા અને સંધિવાથી રાહત મેળવવા માટે વાઘના પેશાબનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ સૂચનાઓ આપી છે. આ માટે, વાઘના પેશાબને સફેદ વાઇન અને આદુના ટુકડા સાથે ભેળવીને જ્યાં દુખાવો હોય ત્યાં લગાવો.
પ્રાણી સંગ્રહાલયે તો એવું પણ કહ્યું છે કે વાઘનું પેશાબ પી શકાય છે. પરંતુ એવું કહેવાય છે કે જો કોઈને એલર્જી હોય તો તેણે તેનું સેવન ન કરવું જોઈએ. પ્રાણી સંગ્રહાલયના એક સ્ટાફ મેમ્બરે જણાવ્યું કે વાઘ પેશાબ કરે પછી, પેશાબને બેસિનમાં એકત્રિત કરવામાં આવે છે. પરંતુ તે જંતુમુક્ત છે કે નહીં તે કહેવામાં આવ્યું ન હતું. બીમારી માટે વાઘના પેશાબના સેવનના આ સમાચારે ચીનમાં ખળભળાટ મચાવી દીધો છે. ઘણા ડોકટરો આનો સખત વિરોધ કરી રહ્યા છે. ડોક્ટરો કહે છે કે આવી અપ્રમાણિત સારવારને પ્રોત્સાહન આપવાથી ઘણા જોખમો ઉભા થયા છે.