Last Updated on by Sampurna Samachar
ચીનનું આ હથિયાર પ્રતિસ્પર્ધી દેશો માટે જોખમ સમાન
આ હથિયાર કોઇ ઇમારત કે લોકોને નુકસાન નહીં પહોંચાડે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીન દ્વારા હાલમાં જ એક નવા અને ખતરનાક હથિયારનો ખુલાસો કરવામાં આવ્યો છે. ‘બ્લેકઆઉટ બોમ્બ‘ તરીકે ઓળખાતું આ હથિયાર દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બોમ્બને ચીનના સરકારી મીડિયા CCTV એ એક એનિમેટેડ વીડિયો મારફત વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે.
ગ્રેફાઇટ બોમ્બ તરીકે ઓળખાતો બ્લેકઆઉટ બોમ્બ એવું ઘાતક હથિયાર છે જે કોઈપણ વિસ્ફોટ વિના દુશ્મન દેશની બત્તી ગુલ કરી શકે છે. આ બોમ્બ હાઇ વોલ્ટેજ વીજ લાઇન, ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશનને ટાર્ગેટ બનાવે છે. જેમાં કાર્બન ફિલામેન્ટ્સનો ઉપયોગ થાય છે. જે વીજ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ સર્જી આખા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી શકે છે.
આ બોમ્બની રેન્જ ૨૯૦ કિમીની
ચીનના મીડિયા અનુસાર, આ બોમ્બ ૧૦૦૦૦ વર્ગમીટર (૨.૫ એકર) ક્ષેત્રમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. જેને સોફ્ટ બોમ્બ તરીકે પણ ઓળખી શકાય. કારણકે, તે કોઈ ઇમારત કે લોકોને નુકસાન નથી પહોંચાડતું. તે માત્ર વીજ સિસ્ટમને ટાર્ગેટ બનાવે છે. જે જમીનથી લોન્ચ થતી મિસાઇલ રૂપે છોડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ બોમ્બ કોઈપણ વાહનમાંથી લોન્ચ થઈ શકે છે. મિસાઇલ હવામાં ઉડીને પોતાના ટાર્ગેટ સુધી પહોંચે છે. તેમજ મિસાઇલ પોતાના લક્ષ્યથી ઉપર પહોંચવા માટે ૯૦ નાના સિલિન્ડર જેવા સબમ્યુનિશન છોડે છે. આ સિલિન્ડર જમીન પર પડતાં પહેલાં જ હવામાં ફૂટે છે. જેમાંથી હજારો કાર્બન ફિલામેન્ટ્સ મુક્ત થાય છે. આ ફિલામેન્ટ્સ રાસાયણિક પ્રક્રિયા સાથે તૈયાર થાય છે. આ કાર્બન ફિલામેન્ટ્સ વીજની હાઇ વોલ્ટેજ લાઇન અને ઉપકરણો પર પડે છે. જેનાથી શોર્ટ-સર્કિટ થાય છે. જેનાથી વીજ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.
આ બોમ્બની રેન્જ ૨૯૦ કિમીની છે. તેના વૉરહેડનું વજન ૪૯૦ કિગ્રા છે. સૈન્ય સબસ્ટેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ વીજ ઢાંચાને ટાર્ગેટ બનાવે છે. આ બ્લેકઆઉટ બોમ્બ આધુનિક યુદ્ધની રણનીતિને બદલી શકે છે. આજના યુદ્ધમાં વીજ અને સંચાર સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ દેશનો વીજ પુરવઠો ઠપ થઈ જાય તો તેની તમામ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે. આ બોમ્બનો ઉપયોગ જાનહાનિ વિના જ દુશ્મનને તોડી પાડવા માટે મહત્ત્વનો છે. ચીનનું આ હથિયાર તાઇવાન, અમેરિકા સહિત અન્ય પ્રતિસ્પર્ધી દેશો માટે મોટા જોખમ સમાન છે.