Last Updated on by Sampurna Samachar
જીનીવામાં યોજાયેલ પરિષદમાં અમેરિકાનો ચીનને લઇ દાવો
ચીને ‘ડીકપ્લિંગ’ નામની પદ્ધતિ અપનાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વી લદાખની ગલવાન ખીણમાં જૂન ૨૦૨૦ માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘાતક અથડામણ થઈ હતી, જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને ૩૦થી વધુ ચીનના સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના થોડા દિવસ પછી ચીને ગુપ્ત પરમાણુ પરીક્ષણો કર્યા હોવાનો ગંભીર આરોપ અમેરિકાએ લગાવ્યો છે.

અમેરિકાએ કહ્યું છે કે, ચીને વૈશ્વિક નજરથી બચવા માટે અદ્યતન ‘ડીકપ્લિંગ’ ટેકનિકનો ઉપયોગ કરીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા. અમેરિકાના આવા આરોપને લીધે ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધી ગયો છે.
અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે પરમાણુ નિયંત્રણ વ્યવસ્થા જરૂરી
તાજેતરમાં જિનીવામાં યોજાયેલી ‘નિ:શસ્ત્રીકરણ પરિષદ’માં અમેરિકાના અંડર સેક્રેટરી થોમસ ડીનાનોએ જણાવ્યું હતું કે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે ગલવાન અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણોની તૈયારી કરી હતી અને ૨૨ જૂન, ૨૦૨૦ના રોજ એક yield-producing test પણ કર્યો હતો. આ માટે ચીને ‘ડીકપ્લિંગ’ નામની પદ્ધતિ અપનાવી, જેથી ભૂકંપ સંકેતો દ્વારા આવા વિસ્ફોટોની ઓળખ કરવી મુશ્કેલ બની જાય.
ડીકપ્લિંગ એ એવી પદ્ધતિ છે જેમાં ભૂગર્ભમાં મોટું પોલાણ કરીને એની અંદર વિસ્ફોટ કરાય છે, જેથી વિસ્ફોટથી ઉત્પન્ન થતા ભૂકંપીય તરંગો ઓછા અનુભવાય. આ રીત અજમાવવાથી પરમાણુ પરીક્ષણો છુપાવવાનું સરળ બની શકે છે, કેમ કે આંતરરાષ્ટ્રીય દેખરેખ પ્રણાલીઓ માટે આવા પરીક્ષણો શોધવા મુશ્કેલ બની જતા હોય છે.
ચીને અમેરિકાના આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, ચીન હંમેશાં પરમાણુ બાબતમાં જવાબદારીપૂર્વક વર્તે છે. ચીનના રાજદૂતે અમેરિકા પર ‘ચીનના પરમાણુ ખતરાને વધારી-ચઢાવીને રજૂ કરવાનો પ્રયાસ’ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે શસ્ત્ર સ્પર્ધાને વધુ ઉશ્કેરવાનું મુખ્ય કારણ અમેરિકાની નીતિઓ છે.
વિસ્ફોટક પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકતી ૧૯૯૬ની ‘વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ’ એટલે કે કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બાન ટ્રિટી પર અમેરિકા અને ચીન બંનેએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ બંને દેશે તેને સત્તાવાર મંજૂરી આપી નથી. રશિયાએ શરૂઆતમાં સંધિને મંજૂરી આપી હતી, પરંતુ પછી પાછી ખેંચી લીધી હતી. વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવતા ત્રણ દેશો જ આ સંધિમાં સંપૂર્ણપણે સહભાગી ન હોવાથી વૈશ્વિક નિ:શસ્ત્રીકરણના પ્રયાસો અધકચરા રહી ગયા છે.
૨૦૧૦માં અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી ન્યૂ START સંધિ બંને દેશોના તૈનાત પરમાણુ હથિયારો અને મિસાઇલોની સંખ્યા-મર્યાદા નક્કી કરતી હતી. સંધિ મુજબ દરેક દેશ માટે ૧,૫૫૦થી વધુ પરમાણુ વૉરહેડ અને ૭૦૦થી વધુ મિસાઇલ-લૉન્ચ સિસ્ટમ રાખવાની મર્યાદા નક્કી કરાઈ હતી. આ સંધિ વર્ષ ૨૦૨૧ પછી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી, પરંતુ ૨૦૨૩માં રશિયાએ તેની ભાગીદારી સ્થગિત કરી દીધી હતી, જેના કારણે પણ વૈશ્વિક પરમાણુ નિયંત્રણ વ્યવસ્થા અંગે ચિંતા વધી ગઈ છે.
અમેરિકાનું કહેવું છે કે, ‘ચીન ઝડપથી પોતાના પરમાણુ શસ્ત્રાગારનો વિસ્તાર કરી રહ્યું છે. તેની પાસે હાલમાં અંદાજે ૬૦૦ શસ્ત્રો છે અને ૨૦૩૦ સુધીમાં તેની પાસે ૧,૦૦૦થી વધુ પરમાણુ હથિયારો હોઈ શકે છે. ચીનને બહાર રાખીને અમેરિકા અને રશિયા વચ્ચે કરવામાં આવતા કરારો હવે પ્રાસંગિક નથી, કારણ કે વૈશ્વિક પરમાણુ સંતુલનમાં ચીનની ભૂમિકા ઝડપથી વધી રહી છે.’ તેથી અમેરિકા ઈચ્છે છે કે પરમાણુ નિયંત્રણ માટેના કોઈપણ નવા કરારમાં ચીનને પણ સામેલ કરવું જોઈએ.
અમેરિકાનો પ્રસ્તાવ ફગાવી દેતાં ચીન સ્પષ્ટ કહી ચૂક્યું છે કે, હાલમાં તે અમેરિકા અને રશિયા સાથે નવી પરમાણુ નિયંત્રણ વાટાઘાટોમાં જોડાવા તૈયાર નથી. તેના હથિયારોની સંખ્યા અમેરિકા (અંદાજે ૫૦૦૦) અને રશિયા (અંદાજે ૫૫૦૦) કરતાં ઘણી ઓછી છે, તેથી ચીન સમાન મર્યાદા માટે તૈયાર નથી. આવી મડાગાંઠ સર્જાઈ હોવાથી દુનિયામાં નવી શસ્ત્ર સ્પર્ધા શરૂ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ગલવાન ઘર્ષણ પછીના થોડા જ દિવસોમાં ચીને પરમાણુ પરીક્ષણ કર્યાના અમેરિકન દાવાને કારણે સમયનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જાે ચીને ખરેખર પરમાણુ પરીક્ષણ કર્યું હોય, તો એ તેનું લાંબા આયોજનનું પરિણામ હોઈ શકે છે, કેમ કે પરમાણુ પરીક્ષણો કંઈ રાતોરાત થતાં નથી, એના માટે ખાસ્સી પૂર્વતૈયારી કરવી પડે છે. તો નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે ગલવાન સંઘર્ષ તરફ આખી દુનિયાનું ધ્યાન દોરાયું હોવાથી ત્યારે પરમાણુ પરીક્ષણ કરીને એને ગુપ્ત રાખવાની ચાલ ચીને સફળતાપૂર્વક ચાલી હોય એવું બની શકે.
પરમાણુ સંધિઓની અનિશ્ચિતતાને પરિણામે વિશ્વમાં ફરી શસ્ત્રદોડ શરૂ થવાનો ખતરો વધી ગયો છે. અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે વિશ્વસનીય અને ચકાસણી યોગ્ય પરમાણુ નિયંત્રણ વ્યવસ્થા બનાવવી હવે વધુ જરૂરી બની ગઈ છે. એમ નહીં થાય તો શસ્ત્ર સ્પર્ધા બેફામ બનીને વૈશ્વિક સુરક્ષાને જોખમાવી દેશે. જે દેશો અત્યાર સુધી પરમાણુ રાષ્ટ્ર નથી બની શક્યા એ દેશો પણ પરમાણુ તાકાત મેળવવાની દોડમાં કૂદી પડશે.