Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનની પડખે આવ્યું ચીન
ચીન વિદેશમંત્રીએ શાંતિપૂર્ણ રીતે મુદ્દાનો ઉકેલ લાવવા જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા ઓપરેશન સિંદૂરને ચીને દુ:ખદ ઘટના જણાવી છે. જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચેની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન ભારતની લશ્કરી કાર્યવાહીને “દુ:ખદ” માને છે. ચીને કહ્યું કે તે પરિસ્થિતિ અંગે ચિંતિત છે.

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના પાડોશી છે અને ચીનના પણ પડોશી છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે, પરંતુ તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરે છે. ચીને ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા, પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે તેવા કોઈપણ પગલા લેવાનું ટાળવા અને શાંતિપૂર્ણ રીતે મુદ્દાનો ઉકેલ લાવવા જણાવ્યું છે.
ભારતે હુમલો કરી ફરી એકવાર સાબિત કર્યું
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે ફરી એકવાર સાબિત કર્યું છે કે આતંકવાદ સામે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં. ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, જેમાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, ભારતે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર‘ હાથ ધર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.
આ ઓપરેશન ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી, જે ૧૯૭૧ ના યુદ્ધ પછી પહેલી વાર જોવા મળી હતી. ભારતીય દળોએ પાકિસ્તાન અને POK માં ૯ મોટા આતંકવાદી ઠેકાણાઓ પર એક સાથે હુમલો કર્યો. આ એ સ્થળો હતા જ્યાંથી ભારતમાં આતંકવાદી હુમલાના કાવતરા ઘડવામાં આવતા હતા અને આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી.