Last Updated on by Sampurna Samachar
ચીન તરફથી ડ્રોન એટેક થાય તો ભારત પણ વળતો હુમલો કરવા સંપૂર્ણપણે તૈયાર
ભારતીય સૈન્યે હંમેશા તૈયાર રહેવું પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા સાથે ટ્રેડ વોર વધુ વકરવાની આશંકાઓ વચ્ચે ડ્રેગને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે ત્યારે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું કહેવું છે કે ચીન પર કોઈપણ રીતે વિશ્વાસ મુકી શકાય તેમ નથી. વધુમાં ભારતીય સૈન્ય નવી ટેક્નોલોજી સાથે દરેક પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બીજી બાજુ અમેરિકા પાસેથી મોંઘા એફ-૩૫ વિમાનોની ખરીદી મુદ્દે એર ચીફ માર્શલ એ પી સિંહે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તરફથી ભારતને એફ-૩૫ ફાઈટર વિમાન આપવા માટે હજુ સુધી ઔપચારિક દરખાસ્ત કરાઈ નથી.
ચીન અને પાકિસ્તાન વચ્ચે મિલિભગત છે, જે આપણે સ્વીકારી લેવું જોઈએ. એટલે કે ભારત માટે બંને મોરચે જોખમ છે તેમ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું. આ સાથે તેમણે ભવિષ્ય માટે સૈન્યની તૈયારીઓ, દુનિયામાં હાલ ચાલી રહેલા ઘર્ષણોમાંથી બોધપાઠ, બાંગ્લાદેશમાં સ્થિતિ અને વાસ્તવિક નિયંત્રણ રેખા અને અંકુશ રેખા પરની સ્થિતિ પર પ્રકાશ પાડયો હતો.
ચીન પર કોઈપણ રીતે વિશ્વાસ કરી શકાય નહીં
તેમણે જણાવ્યું કે, ભારતીય સૈન્ય ખૂબ જ ઝડપથી ટેક્નોલોજીને અપનાવી રહી છે અને દરેક પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીન સાથે ફરી યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારત કેટલું તૈયાર છે તે મુદ્દે સૈન્ય પ્રમુખે કહ્યું કે, ભારત ડ્રોન ટેક્નોલોજી સહિત દરેક વિકસિત થઈ રહેલી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. આપણી પાસે એવા ડ્રોન છે, જે એકે-૪૭ ફાયર કરી શકે છે અને મિસાઈલ લોન્ચ કરી શકે છે. ચીન તરફથી ડ્રોન એટેક થાય તો ભારત પણ વળતો હુમલો કરવા સંપૂર્ણપણે તૈયાર છે.
તેમણે ઉમેર્યું કે, ચીન પર કોઈપણ રીતે વિશ્વાસ કરી શકાય નહીં. યુદ્ધ કોઈપણ દેશના હિતમાં નથી હોતું, પરંતુ આવી કોઈ સ્થિતિ આવશે તો ભારતીય સૈન્ય તેની વ્યૂહાત્મક અને તાકતની દૃષ્ટિએ સંપૂર્ણપણે જવાબ આપવા માટે તૈયાર છીએ. પાકિસ્તાન અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે, તેણે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં ઉઠાવ્યા નથી. તેથી ભારતીય સૈન્યે હંમેશા તૈયાર રહેવું પડશે. જમ્મુ-કાશ્મીરમાં એક સમયે આતંકવાદનો ઓછાયો હતો, પરંતુ હવે ત્યાં લાખો પ્રવાસીઓ કોઈપણ ડર વિના ફરવા માટે પહોંચી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, અગ્નીવીર યોજનાને વધુ અસરકારક બનાવવા માટે અનેક સ્તર પર કામ ચાલી રહ્યું છે. રજાઓની જોગવાઈને નિયમિત સૈનિકોને સમાન કરવા, અગ્નીવીરને પણ અન્ય સૈનિકો જેવી સુવિધાઓ આપવા અને ટેક્નોલોજીની દૃષ્ટિએ વધુ કુશળ યુવાનોની ભરતીને પ્રાથમિક્તા આપવા જેવા અનેક સુધારા પર વિચારણા થઈ રહી છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસમાં પ્રમુખ ટ્રમ્પે ભારતને એફ-૩૫ ફાઈટર વિમાન આપવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, આ વિમાનો મોંઘા હોવાથી ભારતને નુકસાન થઈ શકે છે તેમ પણ કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું. આ સંદર્ભમાં એર ચીફ માર્શલ એ પી સિંહે કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પ તરફથી ભારતને હજુ સુધી ઔપચારિક દરખાસ્ત કરાઈ નથી. જ્યારે તેની કિંમત અંગે હાલ કોઈ ટીપ્પણી કરવી અયોગ્ય છે. વિમાનોની ખરીદી લાંબી પ્રક્રિયા છે. હજુ સુધી એરફોર્સે તેનું વિશ્લેષણ કર્યું નથી.