Last Updated on by Sampurna Samachar
૭૦૦ કિલોમીટરની સ્પીડ ફક્ત બે સેકન્ડમાં
અદ્ભુત ગતિ સુધી પહોંચાડીને નવો વિશ્વ રેકોર્ડ બનાવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીને મેગ્લેવ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચાઈના મીડિયા ગ્રુપના અહેવાલ મુજબ, એક ટન વજનના પરીક્ષણ વાહનને માત્ર બે સેકન્ડમાં ૭૦૦ કિમી પ્રતિ કલાકની અદ્ભુત ગતિ સુધી પહોંચાડીને નવો વિશ્વ રેકોર્ડ બનાવાયો છે. આ સફળ પરીક્ષણ નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજીની સંશોધન ટીમે ૪૦૦ મીટર લાંબા મેગ્નેટિક લેવિટેશન ટેસ્ટ ટ્રેક પર કર્યું હતું.

આ સફળ પરીક્ષણ સાથે, ચીને મેગ્લેવ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પરીક્ષણ દરમિયાન વાહનને સુરક્ષિત રીતે રોકવામાં પણ સફળતા મળી હતી. આ સિદ્ધિ અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્શનના ક્ષેત્રમાં એક મોટી પ્રગતિ દર્શાવે છે.
ચીન સૌથી ઝડપી અલ્ટ્રા-હાઇ-સ્પીડ મેગ્લેવ ટેક્નોલોજી ધરાવતો દેશ બન્યો
મેગ્લેવ ટીમ છેલ્લા એક દાયકાથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી. તેમને ઘણાં ટેક્નિકલ અવરોધ આવી રહ્યાં હતાં જેને તેમણે હવે દૂર કર્યાં છે. આ અવરોધમાં અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્શન, ઇલેક્ટ્રિક સસ્પેન્શન ગાઇડન્સ, ટ્રાન્સિયન્ટ હાઇ-પાવર એનર્જી સ્ટોરેજ ઇન્વર્ટર્સ અને હાઇ-ફિલ્ડ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ્સનો સમાવેશ થાય છે.
આ તમામ અવરોધને દૂર કરી ચીન દ્વારા એડ્વાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ મેળવવાની સાથે ચીન દુનિયામાં સૌથી ઝડપી અલ્ટ્રા-હાઇ-સ્પીડ મેગ્લેવ ટેક્નોલોજી ધરાવતો દેશ બની ગયો છે.
ચીન દ્વારા આ ટેક્નોલોજી મેળવવામાં આવી છે એનો ઉપયોગ ભવિષ્યના ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય છે. ચીનમાં વેક્યુમ ટ્યુબ મેગ્લેવ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે એનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ દ્વારા એરોસ્પેસ બૂસ્ટ લોન્ચિંગ અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટિંગ માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે. આ ટેક્નોલોજીની મદદથી રેલ ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ વિકાસ થશે. લોકો હવે એક હજાર કિલોમીટરનું ટ્રાવેલ પણ થોડી મિનિટોમાં કરી શકશે.