Last Updated on by Sampurna Samachar
અરુણાચલ પ્રદેશ ચીનનો એક ભાગ , અધિકારીઓએ કહ્યું
ભારતના સાર્વભૌમત્વ પર સીધો સવાલ ઉઠાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરુણાચલ પ્રદેશમાં જન્મેલી અને હાલમાં યુનાઇટેડ કિંગડમમાં રહેતી ભારતીય મૂળની મહિલા પ્રેમા વાંગજોમ થોંગડોકે ચીન પર તેના ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણવા અને ૧૮ કલાક સુધી ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શાંઘાઈ પુડોંગ ઍરપોર્ટ પરના ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને ભારતના સાર્વભૌમત્વ પર સીધો સવાલ ઉઠાવ્યો હતો.

અહેવાલો અનુસાર, આ ઘટના ૨૧મી નવેમ્બરના રોજ બની હતી, જ્યારે પ્રેમા વાંગજાેમ લંડનથી જાપાન જઈ રહી હતી અને શાંઘાઈમાં ત્રણ કલાકનો ટ્રાન્ઝિટ સ્ટોપ હતો. ઈમિગ્રેશન કાઉન્ટર પરના અધિકારીઓએ તેણીના ભારતીય પાસપોર્ટને અમાન્ય જાહેર કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ચીનનો એક ભાગ છે.
પ્રેમા વાંગજોમ ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો
પ્રેમાએ આરોપ લગાવ્યો કે, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના અધિકારીઓ અને કર્મચારીઓ તેના પર હસતા રહ્યા, મારી મજાક ઉડાવતા રહ્યા અને મને ચાઇનીઝ પાસપોર્ટ માટે અરજી કેમ નથી કરતા.? પ્રેમાએ દાવો કર્યો કે, ટ્રાન્ઝિટના નામે શરુ થયેલો મામલો કલાકો સુધી ચાલ્યો અને તેને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. મને યોગ્ય માહિતી, પૂરતો ખોરાક અને ઍરપોર્ટની મૂળભૂત સુવિધાઓનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. મારો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો અને માન્ય વિઝા હોવા છતાં જાપાનની આગામી ફ્લાઇટમાં ચઢવા દેવાનો ઇનકાર કરવામાં આવ્યો.
ટ્રાન્ઝિટ એરિયા સુધી મર્યાદિત હોવાથી, તે નવી ટિકિટ ખરીદી શકી નહોતી. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો કે અધિકારીઓએ ફક્ત ચાઇના ઇસ્ટર્ન પર નવી ટિકિટ ખરીદવા માટે દબાણ કર્યું, જેનાથી તેણીને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું.
આખરે યુકેમાં રહેલા એક મિત્રની મદદથી પ્રેમા વાંગજોમ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવામાં સફળ રહી. ભારતીય અધિકારીઓ મોડી રાત્રે ઍરપોર્ટ પર પહોંચ્યા, તેણીને પાસપોર્ટ પરત અપાવ્યો અને તેને જાપાન મોકલી. પ્રેમા વાંગજોમે આ ઘટનાને ભારતની સાર્વભૌમત્વ અને અરુણાચલ પ્રદેશના લોકોના ગૌરવનું સીધું અપમાન ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયને વિગતવાર ફરિયાદ મોકલવાનો ર્નિણય લીધો છે.