Last Updated on by Sampurna Samachar
ચીને છેલ્લા ૮ વર્ષથી ભૂટાનમાં લગભગ ૨૨ ગામો વસાવી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનની નાપાક ગતિવિધિઓને કારણે ભારત અને ચીન ડોકલામ મુદ્દે લાંબા સમયથી સંઘર્ષમાં હતા. હાલમાં જ લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થયો છે, પરંતુ હવે ચીને ફરી ડોકલામમાં તેના સંઘર્ષના ઈરાદા દર્શાવ્યા છે. પાડોશી દેશ ચીને છેલ્લા ૮ વર્ષથી ભૂટાનના પરંપરાગત વિસ્તારમાં લગભગ ૨૨ ગામો વસાવી લીધા છે. આટલું જ નહીં, ૨૦૨૦થી ચીન ડોકલામ નામના પઠાર વિસ્તારની નજીક લગભગ ૮ ગામોનું નિર્માણ કરી ચૂક્યું છે. ચીનનું આ પગલું ભૂટાન માટે જેટલું જોખમી છે તેટલું જ ભારત માટે પણ નકારાત્મક છે.
પાડોશીઓની જમીન પર કબજો કરવો અને તેની વિસ્તરણવાદી નીતિના ભાગરૂપે જમીન પર દાવો કરવો એ ચીનની જૂની ટેવ છે. લદ્દાખમાં લગભગ ૫ વર્ષ સુધી સંઘર્ષમાં નિષ્ફળ રહ્યા બાદ ચીન ફરી એકવાર જૂનું વલણ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ ચીન ભારત સાથે સરહદ વિવાદ ઉકેલવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ તે ડોકલામની આસપાસ ગામડાઓ વસાવી રહ્યું છે. તેની આ બધી યુક્તિઓ સેટેલાઇટ તસવીરો દ્વારા બહાર આવવા લાગી છે.
હકીકતમાં, સેટેલાઇટ ફોટો દ્વારા ચીનની રણનીતિનો ખુલાસો થયો છે. ડોકલામ નજીક ભૂટાનના પશ્ચિમી પ્રદેશના આઠ ગામો વ્યૂહાત્મક રીતે એક ખીણ અથવા પટ્ટા પર સ્થિત છે, જ્યાંથી ચીન દ્વારા દાવો કરવામાં આવેલી ખીણ દેખાઈ છે અને ઘણા ચીનની સૈન્ય ચોકીઓ અથવા ઠેકાણાઓની નજીક છે. મહત્ત્વપૂર્ણ છે કે, નિરીક્ષકો અને સંશોધકો દ્વારા શોધાયેલા ૨૨ ગામોમાંથી સૌથી મોટું ગામ જિવુ છે. જે પરંપરાગત ભૂટાની ચરાગાહ જમીન પર બનેલું છે જેને ત્સેથાંગખા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત છે.
આ ગામોની સ્થિતિએ ફરી એકવાર દિલ્હીમાં બેઠેલી સરકારને ચિંતામાં મૂકી દીધી છે. આ એટલા માટે પણ છે કારણ કે આ વ્યૂહાત્મક પ્રદેશમાં ચીનની મજબૂત સ્થિતિ સિલીગુડી કોરિડોર અથવા કથિત “ચિકન નેક”ની નબળાઈમાં વધારો કરી શકે છે, જે મુખ્ય ભૂમિ ભારતને ઉત્તરપૂર્વીય રાજ્યો સાથે જાેડતી જમીનની સાંકડી પટ્ટી છે.
ઉલ્લેખનીય છે કે, ડોકલામ ૨૦૧૭માં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે ૭૩ દિવસની અથડામણનું કારણ બની ગયું હતું, જ્યારે નવી દિલ્હીએ દખલ કરીને રસ્તાઓ અને અન્ય સુવિધાઓનું નિર્માણ અટકાવ્યું હતું, જેનાથી ચીનને પઠારના સૌથી દક્ષિણ ભાગમાં પહોંચવા માટે પ્રવેશ મળ્યો હોત. જોકે, મડાગાંઠના અંતે, બંને પક્ષોના દળોએ પીછેહઠ કરી. હવે ફરી એકવાર સેટેલાઇટ ઇમેજ સામે આવતાં નવો વિવાદ સર્જાયો છે.