Last Updated on by Sampurna Samachar
વિકસિત ગુજરાતના સરકારના દાવા પોકળ
કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારના ‘વિકસિત ગુજરાત‘ના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામમાં આગણવાડીની દયનીય સ્થિતિ સામે આવી છે. જેના કારણે આદિવાસી બાળકોને એક જર્જરિત અને જોખમી ઝૂંપડામાં શિક્ષણ મેળવવા મજબૂર થવું પડે છે.

કાંધા ગામની આંગણવાડીનું પોતાનું મકાન ન હોવાથી, તે આંગણવાડી કર્મચારીના એક કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. આ ઝૂંપડાની છત સડેલા લાકડાની બનેલી છે, જેના પર ઠંડી અને વરસાદી પાણીથી બચવા માટે માત્ર તાડપત્રી ઢાંકવામાં આવી છે. આ સડેલું લાકડું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જે બાળકોના જીવ પર જોખમ ઊભું કરે છે.
બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટે પગલાં લેવા માંગ
આ આંગણવાડી કેન્દ્રમાં નાની જગ્યાને કારણે ૧૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ તેમને રમવા માટે પૂરતા રમકડાં પણ આપી શકાતા નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં આંગણવાડી કર્મચારીઓ બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા છે.
નસવાડી તાલુકો અત્યંત પછાત હોવાને કારણે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. તેમ છતાં, અધિકારીઓ દ્વારા કરવામાં આવતા આયોજનમાં તાલુકાની વાસ્તવિક સ્થિતિ પર ધ્યાન અપાતું નથી. આંગણવાડીના મકાનો મનરેગા યોજના હેઠળ મંજૂર થાય છે, પરંતુ તેમાં ગ્રાન્ટ આવતી નથી, જેના કારણે સરપંચો પણ કામ કરી શકતા નથી.
સ્થાનિક સ્તરે માંગ કરવામાં આવી રહી છે કે આંગણવાડીઓ બનાવવા માટે પંચાયતને બદલે માર્ગ અને મકાન વિભાગને કામગીરી સોંપવી જોઈએ, જેથી ગુણવત્તાયુક્ત અને સમયસર બાંધકામ થઈ શકે. આ પરિસ્થિતિ રાજ્ય સરકારના શિક્ષણ અને બાળ વિકાસના દાવાઓ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર તાત્કાલિક આદિવાસી બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટે નક્કર પગલાં લે તેવી સ્થાનિકોની માગણી છે.