પત્ની અને તેણીના પરિવારે ધર્મ બદલવાની બળજબરીથી કંટાળી પુરુષે પગલું ભર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના રહેવાસીએ પત્ની અને સાસુની ધર્મ બદલવાની બળજબરીથી કંટાળી આત્મહત્યા કરી છે. ૩૦ વર્ષના પુરુષે સોશિયલ મીડિયા પોસ્ટમાં પરિવારના સભ્યો પર ત્રાસ આપવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે આત્મહત્યાના કેસમાં તેની પત્ની સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ૭ ડિસેમ્બરે લિનેશ સાહુ નામની વ્યક્તિનો મૃતદેહ અર્જુની પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પોટિયાદિહ ગામના એક ઘરમાં લટકતો મળ્યો હતો.
તપાસમાં આત્મહત્યા પહેલાં વોટ્સએપ પર અપડેટ કરેલા સ્ટેટસમાં તેણે લખ્યું હતું કે, પત્ની અને સાસુ દ્વારા ધર્મ પરિવર્તન માટે બળજબરીને કારણે તે પરેશાન હતો. સાહુએ વોટ્સએપ સ્ટેટસનો મેસેજ ૭ ડિસેમ્બરે સવારે ૩.૪૩ કલાકે પરિવારની અન્ય વ્યક્તિ સાથે શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, “હું મારી પત્નીથી કંટાળી ગયો છે. તે મને ધર્મ બદલવા માટે ત્રાસ આપી રહી છે. હું સાસરે ગયો ત્યારે મારા સાસુ અને પત્નીની બે બહેનોએ પણ ધર્મ બદલવા માટે હેરાન કર્યો હતો.” પોલીસના જણાવ્યા અનુસાર સાહુ રાયપુરની રહેવાસી કરુણાને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પરણ્યો હતો. કેસમાં કરુણા તેના માતાપિતા રાજકુમાર અને ગૌરી સાહુ તેમજ બહેન કિરણ સાહુની ધરપકડ કરી છે. કરુણાની નાની બહેન કનિષ્કાને પકડવાના પ્રયાસ ચાલુ છે.