Last Updated on by Sampurna Samachar
અથડામણમાં કુલ ૧૪ નક્સલવાદીઓ માર્યા ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના ગારિયાબંદમાં છેલ્લા ૩૬ કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ ૧૪ નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે. કુલ્હાડીઘાટના ભાલુડિગ્ગીના પહાડો પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ જારી છે.
અથડામણ બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં બે નક્સલવાદીઓના શબ મળ્યા હતા. જેમાં એક મહિલા સામેલ હતી. ત્યારે વધુ ૧૨ નક્સલવાદીઓના શબ કબજે કરી લેવાયા છે. તેમની પાસેથી અનેક ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે.
સૂત્રો અનુસાર, ઓડિશા સ્ટેટના નક્સલવાદી ચીફ કે જેના માથે એક કરોડનું ઈનામ છે તે જયરામ ઉર્ફ ચલપતી પણ ઠાર થયો છે. સીસીએમ મનોજ અને ગુડ્ડુ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.આ અથડામણમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો છે. જેને એરલિફ્ટ કરી રાયપુર લાવવામાં આવ્યો છે. આ જોઈન્ટ ઓપરેશન (ઓડિશા-છત્તીસગઢ સુરક્ષાદળ)માં સામેલ લગભગ ૧ હજાર જવાનો નક્સલવાદીનો ખાતમો બોલાવી રહ્યા છે.
ઓડિશા-છત્તીસગઢના સુરક્ષા દળોની કુલ ૧૦ ટીમે નક્સલવાદીઓ વિરૂદ્ધ જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસમાં વધુ નક્સલવાદીઓના શબ મળવાની સંભાવના છે. હાલ જપ્ત કરવામાં આવેલા મૃતદેહોની ઓળખ થઈ રહી છે. છત્તીસગઢના ડેપ્યુટી સીએમ અરૂણ સાઉએ ગારિયાબંદ એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી નક્સલ મુક્ત દેશ બનાવવા માંગે છે. જેના ભાગરૂપે સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ૧૪ નક્સલીઓને ઠાર મારવાની કવાયત પ્રશંસનીય છે.