સલામતીના સાધનો પર પૂરતું ધ્યાન ન અપાતા દુર્ઘટના બની હોવાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના મુંગેલી જિલ્લાના રામબોડ ગામમાં નિર્માણાધીન કુસુમ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના બની હતી. લોખંડના પાઇપ બનાવતી એક ફેક્ટરીમાં ચીમની તૂટી પડતાં ૨૫ થી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. અનેક શ્રમિકોના મોતની આશંકા છે, જોકે તેની પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, આ દુર્ઘટના તે સમયે બની જ્યારે એક લોખંડના પાઈપ બનાવતી ફેક્ટરીનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના સરગાંવ વિસ્તારના રામબોડમાં બની છે. રાહત અને બચાવ કામગીરીમાં સ્થાનિક લોકો પણ તંત્રની મદદે દોડી આવ્યા હતા.
નિર્માણધીન કંપનીનું નામ કુસુમ છે, જેનો પ્લાન્ટ તૈયાર કરાઈ રહ્યો હતો. ચીમની તૂટી પડવાના કારણે ૨૫થી વધુ લોકો કાટમાળમાં દબાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટના નિર્માણ દરમિયાન સલામતીના સાધનો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો