Last Updated on by Sampurna Samachar
મૃતકના પરિવારે પોલીસને ન્યાય અપાવવા માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ચાંદખેડાની SMS હોસ્પિટલમાં પૂજારીની જાણ બહાર બાયપાસ સર્જરી કર્યાનો આરોપ મૂકતાં ખળભળાટ મચી ગયો છે. ખ્યાતિકાંડ જેવી ઘટના બનતાં પોલીસ એક્શનમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ૨ દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાયા બાદ મોત થતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ફરીથી આ પ્રકારની ઘટના શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં બનવા પામી છે.
મળતી માહિતી મુજબ જાસ્કા ગામના પૂજારીની જાણ બહાર બાયપાસ સર્જરી કરાઈ હોવાનો પરિવારે હોસ્પિટલ પર આરોપ મૂક્યો છે. દર્દીના રૂપિયા ૩ લાખ સહિત PMJAY યોજનામાંથી ૧૦ લાખ રૂપિયા સેરવી લીધા હોવાના આક્ષેપો કરાતા હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે.
મૃતકના પરિવારે આરોપ મૂક્યો છે કે હોસ્પિટલે પગના બદલે હૃદયની સારવાર કરી હતી, તેમજ જાણ બહાર બાયપાસ સર્જરી કરાતા દર્દીનું મોત નિપજ્યું છે. મૃતક પૂજારી કિશોરિગિરિ ગોસ્વામીના મોતથી પરિવારે ગાંધીનગર જીલ્લા પોલીસવડાને ફરિયાદ કરી છે. તેમજ સખ્ત કાર્યવાહી કરી ન્યાય અપાવવાની પણ માંગ કરી છે.