Last Updated on by Sampurna Samachar
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ એક નવો વિવાદ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી સમયમાં પાકિસ્તાનના ત્રણ શહેરો રાવલપિંડી, કરાચી, લાહોર અને આ સિવાય દુબઈમાં ‘હાઇબ્રિડ મોડેલ’ હેઠળ ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની મેચો રમાનાર છે. આ ટુર્નામેન્ટ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ભારત ચેમ્પિયન્સમાં પોતાની બધી મેચ દુબઈમાં રમશે. જોકે, પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું સત્તાવાર યજમાની કરી રહ્યું છે. પરંતુ આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ એક નવો વિવાદ ઊભો થઇ ગયો છે.
હકીકતમાં આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક પાકિસ્તાનનું નામ આ વખતે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર રહેશે નહીં. જેને લઈને ભારતે કથિત રીતે ભારતીય ટીમની જર્સી પર છપાયેલા પાકિસ્તાન (યજમાન દેશનું નામ) શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે PCB ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘BCCI ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવાને લઈને ક્રિકેટમાં રાજનીતિ કરી રહી છે’.
અગાઉ ભારતીય બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેપ્ટનોની બેઠક માટે કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. આ સિવાય અગાઉ BCCI એ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો.
ત્યારબાદ PCB અને ICC એ હાઇબ્રિડ મોડેલ હેઠળ ટુર્નામેન્ટ યોજવા સંમત થયા હતા. PCB ઘણાં આગ્રહ છતાં BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાના પોતાના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી. આખરે પાકિસ્તાન બોર્ડે ભારતની શરતો સ્વીકારવી પડી હતી. જોકે નવા કરાર હેઠળ PCB ભવિષ્યમાં ICC ઇવેન્ટ્સ માટે પાકિસ્તાની ટીમને ભારત મોકલશે નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે લગભગ એક મહિનો બાકી છે અને હવે ફરી એક નવો વિવાદ ઊભો થઇ ગયો છે.
પાકિસ્તાને હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. જયારે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ૧૫ ખેલાડીઓની ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.