ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સમજૂતી થઇ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ હાઇબ્રિડ મોડલના આધારે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ યોજવાની મંજૂરી આપી દીધી છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં યોજાશે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સમજૂતી પણ થઈ ગઈ છે. હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની બધી મેચ દુબઈમાં રમશે.
BCCI અને PCB બંને સૈદ્ધાંતિક રીતે એ બાબત પર સમજૂતી થઇ છે કે, પાકિસ્તાન T20 વર્લ્ડકપ ૨૦૨૬માં લીગ મેચો માટે ભારતનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન આ મેચ કોલંબોમાં રમશે. હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાને કારણે PCB ને કોઈ વળતર નહીં મળે. પરંતુ તે ૨૦૨૭ પછી કોઈપણ ICC મહિલા ટુર્નામેન્ટનું આયોજન કરશે.અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપી ન હતી. આ સ્થિતિમાં ‘હાઇબ્રિડ મોડલ’ના આધારે ટુર્નામેન્ટ યોજાય તે એકમાત્ર વિકલ્પ હતો. BCCI એ આ ર્નિણય અંગે ICC ને પત્ર લખીને જાણ કરી હતી. જોકે PCB એ ICC ની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરીશું નહીં. પરંતુ તેમનું વલણ હવે નરમ પડ્યું છે.