કોંગ્રેસ હવે નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહી છે તેમ ભાજપે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં તેમના સંબોધન દરમિયાન ડૉ. બી.આર.આંબેડકર પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીના કારણે વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરીને કોંગ્રેસ હવે અમિત શાહ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. અમિત શાહની ટિપ્પણી અંગે કોંગ્રેસે કહ્યું છે કે, ગૃહમંત્રી પર બંધારણના નિર્માતા ડૉ.આંબેડકરનું અપમાન કરવાનો આરોપ છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષી પાર્ટીઓ પર કેન્દ્રીય ગૃહમંત્રીના સંબોધનના કેટલાક ભાગોને કાપીને વીડિયોને સર્ક્યુલેટ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ હવે નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહી છે. બીજી તરફ સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષી સાંસદોએ ડૉ. બી.આર.આંબેડકરની તસવીરો લીધી અને ગૃહમંત્રીની માફીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે, અમિત શાહે બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, ડૉ. બી.આર.આંબેડકરનું નામ લેવું હવે એક ‘ફેશન’ બની ગયું છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત, તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. ૧૦૦ વખત નામ લો, પરંતુ હું કહેવા માંગુ છું કે તેમના વિશે તમારી શું લાગણી છે, તે વધુ મહત્ત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે, જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની સરકાર સાથે મતભેદ થયા બાદ ડૉ. બી.આર.આંબેડકરને પહેલી કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. શાહે વધુમાં કહ્યું કે, ડૉ.આંબેડકરે ઘણી વખત કહ્યું છે કે તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથેના વ્યવહારથી સંતુષ્ટ નથી. બી.આર.આંબેડકર પણ આર્ટીકલ ૩૭૦ પર સરકારની નીતિ અને તેના વલણથી નારાજ હતા. તેઓ પદ છોડવા માંગતા હતા, પરંતુ તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને જ્યારે ખાતરી પૂરી ન થઈ ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું.
બાદમાં કોંગ્રેસે અમિત શાહની આ ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નામ લીધા વિના કહ્યું કે, મનુસ્મૃતિનું પાલન કરનારા સ્વાભાવિક રીતે આંબેડકરથી નારાજ હશે. તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમિત શાહે બી.આર.આંબેડકર વિશે જે પણ કહ્યું છે તેનાથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ભાજપ અને RSS “તિરંગાની વિરુદ્ધ” હતા અને “અશોકચક્રનો વિરોધ” કરતા હતા. તેઓ બંધારણની જગ્યાએ મનુસ્મૃતિને લાગુ કરવા માંગતા હતા. બાબા સાહેબ આંબેડકરે આવું થવા દીધું નહીં, તેથી જ તેઓ તેમને ખૂબ નફરત કરે છે. મોદી સરકારના મંત્રીઓએ સમજવું જોઈએ કે મારા જેવા કરોડો લોકો માટે બાબા સાહેબ ભગવાનથી ઓછા નથી. તેઓ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, લઘુમતીઓ અને ગરીબો માટે મસીહા છે.