Last Updated on by Sampurna Samachar
હોમગાર્ડ્સમાં સ્થાનિક લોકો સામેલ હશે
બોર્ડર વિંગ હોમગાર્ડ્સ યોજના ફરીથી થશે શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં જ લદાખમાં થયેલી અશાંતિ અને આ વર્ષની શરૂઆતમાં થયેલા પહેલગામ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે અને બોર્ડર વિંગ હોમગાર્ડ્સને ફરીથી જીવંત કરવાની યોજના ઘડી રહી છે. કારણ કે ચીન અને પાકિસ્તાનની સરહદો પર સીમા સુરક્ષા દળોની સાથે સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનાક્રમથી માહિતગાર અધિકારીઓએ જણાવ્યું કે હોમગાર્ડ્સમાં સ્થાનિક લોકો સામેલ હશે જે ભારત તિબ્બત સીમા પોલીસ અને સીમા સુરક્ષા બળ જેવા સરહદી સુરક્ષા દળોની આંખ અને કાન જેવા કામ કરશે.
ભારત ચીન સરહદ પર ITBP તૈનાત
અધિકારીઓના જણાવ્યાં મુજબ આ યોજના ૧૯૭૦ના દાયકાના અંતમાં અસ્તિત્વમાં હતી પરંતુ રાજ્ય પોલીસ અને સીમા સુરક્ષા દળો વચ્ચે નાણાકીય મુદ્દાઓના કારણે તેને બંધ કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલય રાજ્ય અને કેન્દ્રીય દળો વચ્ચે નોડલ બિંદુ તરીકે કામ કરી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે નેપાળ અને બાંગ્લાદેશ સહિત પાડોશી દેશોમાં હાલના ઘટનાક્રમો બાદ એવું સૂચન આપવામાં આવ્યું છે કે સ્થાનિક લોકોને અસ્થાયી આધાર પર નિયુક્ત કરવામાં આવે. જોકે તેમને થતી ચૂકવણી કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ વચ્ચે એક વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે.
ભારત ચીન સાથે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદાખમાં ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદ શેર કરે છે. પાકિસ્તાન સાથે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર અને લદાખમાં ૩૩૨૩ કિમી લાંબી સરહદ જોડાયેલી છે.
બાંગ્લાદેશ સાથે ભારતની ૪૦૯૬.૭ કિમી લાંબી સરહદ પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં છે. ભારત ચીન સરહદ પર ITBP તૈનાત છે જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની સુરક્ષા BSF કરે છે. હાલમાં ભારત એક સરહદ એક સુરક્ષા દળના સિદ્ધાંતનું પાલન કરે છે.
પહેલગામ હુમલા દરમિયાન ઈન્ટેલિજન્સની નિષ્ફળતાના કારણે લશ્કર એ તૈયબા સમર્થિક ધ રેઝિસ્ટન્સ ફોર્સએ ૨૬ નિર્દોષ નાગરિકોની હત્યા કરી. હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોએ આ વર્ષે મે મહિનામાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જેમાં આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરાયા હતા.
આ વર્ષે જુલાઈમાં સુરક્ષા દળો દ્વારા ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા ૩ આતંકીઓ ભૂતકાળમાં સુરક્ષા દળો અને નાગરિકો પર થયેલા અનેક હુમલાઓ માટે જવાબદાર હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી પહેલગામ હુમલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ૩ પાકિસ્તાની આતંકીઓને શરણ આપવાના આરોપમાં બે સ્થાનિક લોકોની ધરપકડ થઈ છે.