Last Updated on by Sampurna Samachar
આમાં દેશી અને વિદેશી બંને ઓપરેટરો સામેલ
૩૫૭ વેબસાઈટ અને URL બ્લોક કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર કાર્યવાહી કરી છે. જેમાં વિદેશથી ગેરકાયદે રીતે સંચાલિત ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મની ૩૫૭ વેબસાઈટ અને URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) બ્લોક કરી દીધા છે અને આવા ૭૦૦ પ્લેટફોર્મ હાલમાં તપાસ હેઠળ છે.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) એ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સામે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ ગેરકાયદે કૃત્યમાં દેશી અને વિદેશી બંને ઓપરેટરો સામેલ છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ટેક્સ છુપાવવા માટે રજિસ્ટ્રેશન વગર ગેરકાયદે રીતે ગેમ ચલાવી રહ્યાં છે અને GST ને પણ ટાળી રહ્યાં છે.
૨,૦૦૦ બેંક ખાતા અને ૪ કરોડ રૂપિયા જપ્ત
DGGI એ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સહયોગથી IT એક્ટ, ૨૦૦૦ ની કલમ ૬૯ હેઠળ વિદેશથી ગેરકાયદે રીતે કાર્યરત ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મની વેબસાઈટને બ્લોક કરી દીધી છે. GST કાયદા હેઠળ ઑનલાઇન મની ગેમિંગને માલના સપ્લાય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તે ૨૮ ટકાના દરે કરપાત્ર છે. આ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓએ GST હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે.
અહેવાલો અનુસાર, કેટલાક ગેરકાયદે ગેમિંગ પ્લેટફોર્મ્સ સામેની ઝુંબેશમાં DGGI એ આઈ૪સી અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને યુઝર્સ પાસેથી નાણાં વસૂલવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓને ટાર્ગેટ અને બ્લોક કર્યા છે. આ ઓપરેશનમાં લગભગ ૨,૦૦૦ બેંક ખાતા અને ૪ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.