Last Updated on by Sampurna Samachar
આ યોજના ૧ એપ્રિલ ૨૦૨૫થી થશે લાગુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ બાદ નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમમાં પહેલાથી જ નોંધાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે.
આ યુનિફાઇડ પેન્શન સ્કીમ યોજના જૂની પેન્શન યોજનાના ઘટકોને જોડે છે, તેનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને ગેરંટીડ પેન્શન આપવાનો છે, જે નિવૃત્તિ પછી નાણાંકીય સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરે છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જારી કરાયેલા સરકારી જાહેરનામા જણાવાયું છે કે આ યોજના ૧ એપ્રિલ, ૨૦૨૫થી લાગુ થશે. જેથી કેન્દ્ર સરકારે આ યોજનાને લઈને ૧૫ પેજ નું ગેઝેટ જાહેર કરી દીધું છે.
યુનિફાઇડ પેન્શન યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલાથી જ નેશનલ પેન્શન સિસ્ટમમાં નોંધાયેલા છે. આ યોજના ફક્ત તે કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે જેઓ નોટિફિકેશનમાં ઉલ્લેખિત ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા ૧૦ વર્ષની સેવા પૂર્ણ કરવી આવશ્યક છે. નિવૃત્તિકાળઃ જે કર્મચારીઓ ઓછામાં ઓછા દસ વર્ષની લાયકાત સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થાય છે તેમને નિવૃત્તિકાળની તારીખથી ખાતરીપૂર્વક ચૂકવણી મળશે. જોકે, આ યોજના એવા કર્મચારીઓને લાગુ પડશે નહીં જેમને બરતરફ કરવામાં આવ્યા છે, દૂર કરવામાં આવ્યા છે અથવા નોકરીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે.