એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતના ડેક પર તૈનાત કરવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવા વર્ષમાં સરકાર ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ડીલ કરવા જઈ રહી છે. સશસ્ત્ર દળોની પ્રહાર ક્ષમતાને વધારવાની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે, તે ૩૧ માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા ફાઇટર એરક્રાફ્ટ, સબમરીન, હેલિકોપ્ટર અને આર્ટિલરી માટે ઓછામાં ઓછા ચાર મોટી ડિફેન્સ ડીલ સાઈન કરશે. જેની કુલ કિંમત ૧.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારત ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે ૨૬ રાફેલ-મરીન ફાઈટર જેટ માટે લગભગ ૬૩,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ સાઈન કરશે. જેને એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતના ડેક પર તૈનાત કરવામાં આવશે.
આ સીલમાં ૨૨ સિંગલ-સીટ મેરીટાઇમ જેટ અને નેવીના ચાર ટ્વીન-સીટ ટ્રેનર્સ તેમજ પાંચ વર્ષ માટે હથિયારો, સિમ્યુલેટર, ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ તેમજ ૩૬ રાફેલના સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે. આ ડીલ અંગે કેબિનેટ સમિતિની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. PM મોદી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ માટે ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીએ ફ્રાન્સ જવાના છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સ સાથે ૩૮,૦૦૦ કરોડ રૂપિયાના અન્ય કરાર પર હસ્તાક્ષર કરશે.
આ કરારમાં ભારત લાંબા સમય સુધી પાણીની અંદર રહેવા માટે ત્રણ વધારાની સ્કોર્પિન ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન અને એર-ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન હસ્તગત કરશે. તેનું નિર્માણ મુંબઈમાં મઝગાંવ ડોક્સ ખાતે કરવામાં આવશે. તેમજ તે વર્ષ ૨૦૩૧ સુધીમાં તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, ભારત સરકાર ૧૫૬ સ્વદેશી પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર માટે આશરે રૂ. ૫૩,૦૦૦ કરોડ અને ૩૦૭ સ્વદેશી એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ માટે રૂ. ૮,૫૦૦ કરોડની ડીલ કરવા જઇ રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત નવા પ્રચંડ હેલિકોપ્ટર સિયાચીન ગ્લેશિયર અને પૂર્વ લદ્દાખ જેવા વિસ્તારો માટે ખરીદવામાં આવી રહ્યા છે. તેમજ DRDO દ્વારા ડિઝાઇન અને વિકસિત ATAGS ની મારક ક્ષમતા ૪૮ કિમી સુધીની છે. આ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવશે.