કુલ ૬૯૫૧૫.૭૧ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્ત્વના ર્નિણયો લીધા છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના માટે કુલ ૬૯૫૧૫.૭૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
કેબિનેટની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે ખેડૂતોને ૫૦ કિલો DAP ની થેલી ૧૩૫૦ રૂપિયામાં મળતી રહેશે. સરકારે DAP પર ૩૮૫૦ કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો ર્નિણય કર્યો છે. આ ર્નિણય આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા જતા ભાવને કારણે લેવામાં આવ્યો છે, જેથી વધતા ભાવની ખેડૂતો પર અસર ન થાય.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેબિનેટે ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળા માટે DAP પરના એક વખતના વિશેષ પેકેજને ખેડૂતોને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે , કેબિનેટના ર્નિણયથી એ સુનિશ્ચિત થશે કે ખેડૂતોને ૫૦ કિલોની થેલી દીઠ રૂ. ૧,૩૫૦ના દરે DAP ખાતર મળતું રહેશે. વૈષ્ણવે કહ્યું કે ૨૦૨૫ ની પ્રથમ કેબિનેટ બેઠક પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોને સમર્પિત કરવામાં આવી છે, આ પ્રથમ બેઠકમાં ખેડૂતો સાથે સંબંધિત વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી,
જેમાં વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા અને આજે લેવાયેલા ર્નિણયો સંપૂર્ણપણે ખેડૂતોના કલ્યાણ પર કેન્દ્રિત છે. ખેડૂતો પાક વીમા યોજના અંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઝડપી આકારણી, ઝડપી દાવાની પતાવટ, ઈનોવેશન અને ટેકનોલોજી માટે ૮૦૦ કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવ્યું છે. કવરેજ વધારવા અને નોંધણીને સરળ બનાવવા માટે, PM નરેન્દ્ર મોદીએ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો ર્નિણય કર્યો છે.