Last Updated on by Sampurna Samachar
આ વર્ષે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થઈ શકે
કર્મચારીઓ માટે દર છ મહિને મોંઘવારી ભથ્થું નક્કી થાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા અંગે ર્નિણય સામે આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી અંગે મોટું અપડેટ આવ્યું છે. સમાચાર છે કે જુલાઈ-ડિસેમ્બર માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત દિવાળી આસપાસ થશે. એટલે કે આ વર્ષે દિવાળી ગિફ્ટના સંકેત પહેલેથી જ મળી ગયા છે. અત્રે જણાવવાનું કે DA હાઈક અંગે કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલા મોટી ભેટ મળી શકે છે. જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૫ માટેના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત દિવાળી પહેલા થઈ શકે છે. સાતમાં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે દર છ મહિને મોંઘવારી ભથ્થું નક્કી થાય છે. જેની ગણતરી નિર્ધારિત ફોર્મ્યૂલા અને મોંઘવારી દર પ્રમાણે નક્કી થાય છે.
પગારમાં મોટો ઉછાળો આવશે
જોકે આ અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રો મુજબ આ વર્ષે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં જો આ રીતે વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓનું DA ૫૫ ટકાથી વધીને ૫૮ ટકા થઈ શકે છે. તે પહેલા જાન્યુઆરી ૨૦૨૫માં સરકારે ડીએમાં ૨ ટકાનો વધારો કરીને ૫૩થી ૫૫ ટકા કર્યું હતું. અત્રે જણાવવાનું કે શ્રમ બ્યૂરો તરફથી બહાર પડેલા આંકડા મુજબ જૂન ૨૦૨૫નો CPI-IW 145 રહ્યો છે. જ્યારે જુલાઈ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ સુધીના ૧૨ મહિનાનો સરેરાશ ઈન્ડેક્સ ૧૪૩.૬ છે. આવામાં આ વખતે DA માં ૩ ટકા વધારાની જાહેરાત થઈ શકે.
મોંઘવારી ભથ્થામાં વધારાનો સીધો ફાયદો પગાર પર પડશે. પગારમાં મોટો ઉછાળો આવશે. ઉદાહરણથી સમજીએ કે જો બેઝિક પગાર ૪૦૦૦૦ રૂપિયા છે અને ૩ ટકા DA વધે તો દર મહિને પગારમાં ૧૨૦૦ રૂપિયા વધશે. ડીએ વધવાથી ટ્રાવેલ અલાઉન્સ, હાઉસ રેન્ટ અલાઉન્સ પણ વધશે.