Last Updated on by Sampurna Samachar
એક વર્ષ સુધી લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી કેજરીવાલ
કેજરીવાલને ૧૦ દિવસની અંદર આવાસ ફાળવાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટાઇપ-૭ કેટેગરીનો બંગલો ફાળવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક હોવાથી કેજરીવાલ કેન્દ્ર સરકાર દ્વારા આવાસ મેળવવા માટે હકદાર છે. જોકે, આ બંગલો મેળવવા માટે કેજરીવાલને એક વર્ષ સુધી લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી હતી. આખરે, દિલ્હી હાઈકોર્ટની દરમિયાનગીરી અને સખ્તાઈ બાદ, સરકારે તેમને ૯૫, લોધી એસ્ટેટ બંગલો ફાળવ્યો છે.
આ બંગલામાં ચાર બેડરૂમ, એક હોલ, એક વેઇટિંગ રૂમ અને એક ડાઇનિંગ રૂમનો સમાવેશ થાય છે. વધુમાં, તેમાં બે લૉન છે, જેમાંથી એક લૉન નાની છે. ફાળવણીમાં થયેલા વિલંબ અંગે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય પર આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે આપ નેતાએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. ત્યારબાદ, ૨૫ સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે કોર્ટને ખાતરી આપી કે કેજરીવાલને ૧૦ દિવસની અંદર આવાસ ફાળવી દેવામાં આવશે.
કઈ કેટેગરીનો બંગલો મળશે તે નીતિમાં સ્પષ્ટ કરાયું નથી
હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે કેજરીવાલને સરકારી બંગલો ફાળવી દેવામાં આવ્યો છે. આ બંગલો ટાઇપ-૭ કેટેગરીનો છે, જે સરકારી આવાસોમાં બીજી સૌથી મોટી કેટેગરી ગણાય છે. સામાન્ય રીતે, ટાઇપ-૭ બંગલા ૫ વખત સાંસદ રહી ચૂકેલા વ્યક્તિઓ, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશોને ફાળવવામાં આવે છે. જુલાઈ ૨૦૧૪ની સરકારી નીતિ મુજબ, રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષો અથવા સંયોજકો પણ સરકારી આવાસના હકદાર છે, તેમ છતાં તેમને કઈ કેટેગરીનો બંગલો મળશે તે નીતિમાં સ્પષ્ટ કરાયું નથી.
હાઈકોર્ટમાં, કેજરીવાલના વકીલે દલીલ કરી હતી કે રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષોને પરંપરાગત રીતે ટાઇપ-૭ બંગલા ફાળવવામાં આવે છે. આ માટે તેમણે બસપા અધ્યક્ષ માયાવતીનું ઉદાહરણ આપ્યું, જેમને ગયા વર્ષે ૩૫, લોધી એસ્ટેટ ખાતે ટાઇપ-૭ બંગલો મળ્યો હતો.
જાેકે ખાસ વાત તો એ છે કે પૂર્વ મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી આવાસની કોઈ સુવિધા મળતી નથી. ખરેખર, મે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના એ કાયદાને રદ કર્યો હતો જે પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન સરકારી આવાસમાં રહેવાની મંજૂરી આપતો હતો.
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી, કેજરીવાલ ગયા વર્ષે સપ્ટેમ્બરથી છછઁના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને ફાળવેલા સરકારી આવાસમાં રહે છે. બીજી બાજુ, દિલ્હી સરકાર હવે સિવિલ લાઇન્સ સ્થિત ફ્લેગસ્ટાફ રોડ નંબર-૬ પરના તેમના પૂર્વ મુખ્યમંત્રી આવાસને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં ફેરવવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે આ બંગલાને ‘શીશમહલ‘ કહીને છછઁ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.