Last Updated on by Sampurna Samachar
ઓનલાઇન બેટિંગ એપ કેસમાં ED ની મોટી કાર્યવાહી
૭૬૬ બેન્ક એકાઉન્ટ અને ૧૭ ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ ફ્રીઝ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓનલાઇન બેટિંગ કેસમાં બોલિવુડ સ્ટાર્સ અને ક્રિકેટરોની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ED ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના સાથે ED એ પૂછપરછ કરી હતી.
આ સાથે બોલિવૂડ કલાકાર સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા સાથે પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. ED દ્વારા હાલ આ સેલેબ્સની પૂછપરછનું કારણ એ છે કે, જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેનો પ્રચાર-પ્રસાર કેમ કરવામાં આવી રહ્યો છે ? આ એપ્લિકેશનમાં વન બેટ, ફેયર પ્લે અને મહાદેવ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
વાંધાજનક દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક્સ જપ્ત
છેલ્લાં થોડા દિવસ પહેલાં કોલકાતામાં ED એ મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ એક મોટા ઓનલાઈન સટ્ટાબાજ અને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટને ઉજાગર કરવા માટે પશ્ચિમ બંગાળ સહિત દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામમાં અનેક ઠેકાણાઓએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ ઓપરેશન દરમિયાન ED એ ૭૬૬ બેન્ક એકાઉન્ટ અને ૧૭ ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ ફ્રીઝ કરી દીધા છે. આ એકાઉન્ટનો ગેરકાયદે સટ્ટાબાજી સાથે જોડાયેલા પૈસાની લેતીદેતી માટે ઉપયોગ થઈ રહ્યો હતો. ED એ વિશાલ ભારદ્વાજ અને સોનું કુમાર ઠાકુર નામના બે આરોપીઓની PMLA હેઠળ ધરપકડ કરી હતી. બંનેને કોલાકાતાની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ૧૦ દિવસની કસ્ટડીમમાં મોકલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં પણ મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસમાં ED એ મોટી કાર્યવાહી કરી હતી. ત્યારે ઈડીએ આ મામલે વિવિધ ઠેકાણે દરોડા પાડી ૫૭૩ કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૧૬ એપ્રિલ ૨૦૨૫ના દિવસે દિલ્હી, મુંબઈ, ઈન્દોર, અમદાવાદ, ચંડીગઢ, ચેન્નઈ અને સંબલપુર (ઓડિશા) માં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ તપાસ દરમિયાન ED એ ૩.૨૯ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ સાથે જ ૫૭૩ કરોડ રૂપિયાથી વધુની સિક્યોરિટીઝ, બોન્ડ અને ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવા પણ મેળવ્યા હતા.