Last Updated on by Sampurna Samachar
હવે શિક્ષિકા વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો
અઠવાડિયા પછી આ વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળામાં પહોંચવામાં ૧૦ મિનિટનો વિલંબ થતાં કથિત રીતે ઉઠક-બેઠકની સજા આપવામાં આવી હતી. આ ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી આ વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું. વિદ્યાર્થિની ૧૨ વર્ષની હતી. આ મામલે હવે પોલીસે ઉઠક-બેઠકની સજા આપનાર શિક્ષિકા મમતા યાદવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

સારવાર દરમિયાન વિદ્યાર્થિના મોત બાદ પહેલા એડીઆર નોંધવામાં આવ્યુ હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તેના પરિવારની ફરિયાદના આધાર પર હવે શિક્ષિકા વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.
મોડી પહોંચતા ખભા પર બેગ લટકાવી ઉઠક-બેઠક કરવી પડી
વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર દિલીપ ઘુગેએ જણાવ્યું કે, ૮ નવેમ્બરના રોજ શિક્ષિકાએ ઘણા બાળકોને મોડા આવવા બદલ ૧૦૦ વખત ઉઠક-બેઠક કરવાની સજા આપી હતી. આ ૧૨ વર્ષની વિદ્યાર્થિની પણ પોતાના ખભા પર બેગ લટકાવીને સજા પૂરી કરે છે. ઘરે પરત ફર્યા પછી છોકરીની તબિયત ઝડપથી બગડતી ગઈ. તેના પરિવારે તેને પહેલા વસઈની એક હોસ્પિટલમાં દાખલ કરી અને પછી જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. જ્યાં ઘણા દિવસો સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ તેનું મોત થઈ ગયું.
શું છે સમગ્ર મામલો?
– મહારાષ્ટ્રના વસઈમાં ૧૨ વર્ષીય વિદ્યાર્થિના શંકાસ્પદ મૃત્યુથી સ્થાનિક વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
– પરિવારના સભ્યોએ શાળાના વહીવટીતંત્ર પર બાળકીને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે બાળકીનું મોત થયું.
– આ ઘટના વસઈ પૂર્વના સાતિવલી સ્થિત શ્રી હનુમાન વિદ્યા મંદિરની છે, જ્યાં શાળાએથી પાછા ફર્યા બાદ ધોરણ ૬માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી.
– આ ઘટના ૮ નવેમ્બરના રોજ બની હોવાની માહિતી મળી રહી છે. તે દિવસે વિદ્યાર્થિની શાળાએ થોડી મોડી પહોંચી હતી, જેના કારણે શિક્ષિકાએ તેને અને કેટલાક અન્ય વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલ બેગ સાથે ૧૦૦ ઉઠક-બેઠક કરવાની સજા આપી હતી.
– વિદ્યાર્થિનીના મોત બાદ પરિવારે સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષિકા પર ગંભીર આરોપો લગાવતા દાવો કર્યો કે સજાને કારણે જ અમારી પુત્રીનું મોત થયું છે. તેઓ આ મામલે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
વિદ્યાર્થિનીની માતાએ જણાવ્યું કે, ‘મારી દીકરી શાળામાં મોડી પહોંચી હતી, તેથી તેણે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ સાથે ખભા પર બેગ લટકાવીને ઉઠક-બેઠક કરવી પડી. મારી દીકરીએ અમને એ નથી જણાવ્યું કે, તેણે કેટલી ઉઠક-બેઠક કરવી પડી. પરંતુ બાળકોના કહેવા પ્રમાણે કેટલાકે ૧૦૦, કેટલાકે ૫૦ અને કેટલાકે ૬૦ ઉઠક-બેઠક કરી હતી.
મારી દીકરીએ પણ એવું જ કર્યું. જ્યારે મારી દીકરી સાંજે ૫:૦૦ વાગ્યે ઘરે આવી ત્યારે તેણે કહ્યું કે તેને પીઠમાં દુ:ખાવો થઈ રહ્યો છે. જ્યારે મેં તેને પૂછ્યું, ત્યારે તેણે મને કહ્યું કે શું થયું હતું. ત્યારથી તેની સમસ્યાઓ વધતી ગઈ અને અંતે તેનું મોત થઈ ગયું.
અમે પહેલા તેને આસ્થા હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં ડોક્ટરોએ કહ્યું કે, અમે તેને દવા આપી રહ્યા છે, અને તે ઉઠક-બેઠકના કારણે ગભરાઈ ગઈ હતી. તેમણે મને એમ પણ કહ્યું કે તેની પીઠ જકડાઈ ગઈ છે અને તેને બીજી કોઈ બીમારી નથી.