Last Updated on by Sampurna Samachar
મનોજ બડાલેએ લગાવેલા આરોપોને રાજ કુંદ્રાએ ફગાવ્યા
લંડન હાઈકોર્ટમાં પહોંચ્યો IPL ટીમનો વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા મનોજ બડાલેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. મનોજ બડાલેએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ સહ-માલિક રાજ કુન્દ્રાએ મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મનોજે લંડનની હાઇકોર્ટમાં રાજ કુન્દ્રા સામે કાનૂની લડાઈ શરૂ કરી છે. બીજી તરફ, કુન્દ્રાએ આરોપોને ફગાવી દીધા છે.
મનોજ બડાલે લંડન સ્થિત કંપની ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સનો પ્રમુખ છે. બડાલે અને તેમની કંપની રાજસ્થાન રોયલ્સમાં ૬૫% હિસ્સો ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બડાલે અને તેમની કંપની ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સે કુન્દ્રા સામે કોર્ટ કેસ દાખલ કર્યો છે. જેમાં તેમણે ૨૦૧૯ના ગોપનીયતા કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
રાજ કુન્દ્રા વિરુદ્ધ વચગાળાનો કોર્ટનો આદેશ
રાજ કુન્દ્રાનો અગાઉ રાજસ્થાન રોયલ્સમાં ૧૧.૭%નો ભાગીદાર હતો. પરંતુ વર્ષ ૨૦૧૫માં તે IPL માં સટ્ટાબાજીમાં દોષિત જાહેર થયતા તેને પોતાનો હિસ્સો ગુમાવવો પડ્યો હતો. આ કારણે રાજસ્થાન રોયલ્સને પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ગયા મહિને રાજ કુન્દ્રાએ મનોજ બડાલેને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો અને ૧૧.૭% હિસ્સાના સાચા મૂલ્યથી મને વંચિત રાખવામાં આવ્યો હતો.‘
મનોજ બડાલેને મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવાયું છે કે રાજ કુન્દ્રાએ ભારતીય અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી છે તેમજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને રિપોર્ટ કરવાની ધમકી આપી છે. આ મામલે રાજ કુન્દ્રાએ લલિત મોદીનો પણ સંપર્ક કર્યો છે.
રાજ કુન્દ્રા કોઈ વાંધાજનક કે બદનામ કરતુ નિવેદન ન આપે તે માટે ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સે ૩૦ મેના રોજ રાજ કુન્દ્રા વિરુદ્ધ વચગાળાનો કોર્ટનો આદેશ મેળવ્યો હતો. આ વચગાળાના આદેશ વિષે રાજ કુન્દ્રાના વકીલનું કહેવું છે કે, ‘આ આદેશ ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે રાજ કુન્દ્રાએ કંઈ ખોટું કર્યું છે.