Last Updated on by Sampurna Samachar
ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે જાણે અકસ્માતોનો ઝોન બની રહ્યો હોય તેમ અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે લખતર અને કડુ ગામ વચ્ચે એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં ખાબકી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, લખતર તાલુકાના ભાસ્કરપરા ગામની આ કાર મજૂરોને લઈને આદલસર ગામે ઉતારવા ગઈ હતી. મજૂરોને સુરક્ષિત રીતે ઉતારીને ડ્રાઈવર જ્યારે લખતરથી ભાસ્કરપરા પરત ફરી રહ્યો હતો, ત્યારે લખતર અને ગેથડા હનુમાનજી મંદિર વચ્ચે આવેલી એક ખાનગી કંપની પાસે આ દુર્ઘટના ઘટી હતી. ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારીને સીધી ઊંડી ખાઈમાં જઈ પડી હતી.
લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધ્યું
અકસ્માત થતા જ આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને નજીકની ખાનગી કંપનીના મજૂરો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારને ખાઈમાંથી બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી વાહનચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.