Last Updated on by Sampurna Samachar
૨૦૦ વિસ્ફોટક બેટરીઓ અને લાંબો વાયર પોલીસના હાથ લાગ્યો
બે શખ્સોની ધરપકડ કરી કસ્ટડીમાં લાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ટોંક જિલ્લામાં સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારી સફળતા મળી છે, જ્યાં પોલીસે ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા એક કારમાંથી આશરે ૧૫૦ કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ કબજે લેવામાં આવ્યું છે. આ સાથે સાથે ૨૦૦ જેટલી વિસ્ફોટક બેટરીઓ તેમજ અંદાજે ૧૧૦૦ મીટર લાંબો વાયર પણ પોલીસના હાથ લાગ્યો છે. આ ગંભીર મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.

ટોંકના DSP મૃત્યુંજય મિશ્રાએ જણાવ્યું હતું કે આ સમગ્ર વિસ્ફોટક સામગ્રી એક મારુતિ સિયાઝ કારમાંથી મળી આવી હતી. કારની તપાસ દરમિયાન શંકાસ્પદ રીતે છુપાવેલો વિસ્ફોટકનો જથ્થો મળી આવતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી વિસ્ફોટક ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું અને તેનો હેતુ શું હતો તે અંગે વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.
કડક પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને તપાસ અભિયાન શરૂ
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં કડક પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના પરિણામે ટોંક જિલ્લામાં આ વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરોપીઓની ઓળખ સુરેન્દ્ર ભંવરલાલ અને સુરેન્દ્ર દુલીલાલ મોચી તરીકે થઇ હતી. બંને કરવર બુંદીના રહેવાશી હતા. પોલીસે બંનેને પકડી પાડીને વિસ્ફોટક લાવ્યા ક્યાંથી અને ક્યાં લઇને જઇ રહ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી.